મોરબી, વાંકાનેર, હળવદ, માળિયા અને ટંકારા પંથકમાં ક્યાંય ઝાપટું પડ્યું તો ક્યાંક માત્ર છાંટા મોરબી : મોરબી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. જેમાં ક્યાંય સારું એવું ઝાપટું આવ્યું છે તો ક્યાંક માત્ર છાટા જ પડ્યા છે. આમ ભરઉનાળે જિલ્લામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ રાત્રીના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. મોરબીના અનેક વિસ્તારોમાં એવા ઝાપટા પડ્યા છે કે ચોમાસાની જેમ રોડ ઉપર પાણીના વહેણ હાલતા થઈ ગયા છે. બીજી બાજુ હળવદમાં પણ તેજ પવન અને વીજળીના ચમકારા સાથે ઝાપટું પડ્યું હતું. જો કે બાદમાં પવન ઓછો થયો હોવાનું જાણવા મળ્યું છે. વાંકાનેર પંથકમાં મોટાભાગના વિસ્તારોમાં છાંટા પડ્યા છે. અહીં પણ વીજળીના ચમકારા અને તેજ પવન છે. માળિયા પંથકમાં પણ પવન સાથે છાટા પડ્યા છે. ટંકારા પંથકમાં પણ પવન અને વીજળીના ચમકારા સાથે માવઠું વરસ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તેજ પવનને કારણે અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.