પોલીસે આરોપીઓ પાસેથી રૂ 4 હજાર અને ગુન્હામાં વપરાયેલી કાર કબજે કરી મોરબી : મોરબીના જીકીયારી ગામે રહેતા કાકા – ભત્રીજા અને અન્ય એક વ્યક્તિને લલના સાથેનો સુવાળો સંગાથ ભારે પડી ગયો છે, ચાર શખ્સોએ ત્રણેય યુવાનોના મહિલા સાથેનો બીભત્સ વિડીયો ઉતારી લઈ દોઢ લાખની માંગ કરી ઢોર માર મારતા આખરે આ મામલો એલ,સી.બીમાં પહોંચ્યો હતો.પોલીસે આ બનાવની ગંભીરતને ધ્યાને લઇ ઝીણવટભરી તપાસ ચલાવીને ત્રણેય યુવાનોને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી હળવદનો એલ.આર.ડી.જવાન તથા મહિલા સહિત પાંચ શખ્સોને દબોચી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4 હજાર તથા ગુન્હામાં વપરાયેલી કારને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ હનીટ્રેપના બનાવની મળતી વિગતો અનુસાર ગત તા. ૨૩ ના રોજ મોરબી તાલુકાના જીકિયારી ગામે શબાબના શોખીન મિત્ર જેવા કાકા – ભત્રીજા અને અન્ય એક મિત્રએ રૂપિયા બબ્બે હજાર પ્રતિ વ્યક્તિ દીઠ ચૂકવી યુવતી સાથે રંગરેલીયા મનાવ્યાં હતી પરંતું કરમની કઠણાઈ કે આ લલના કમ યુવતીએ ત્રણેયને લૂંટવા આગાઉ કારસો ઘડી કાઢ્યો હોય ક્ષણિક સંબંધ પૂરો થતાં જ પ્રિ – પ્લાન મુજબ ચાર હટાકટ્ટા શખસો યુવતી જ્યા રંગરેલીયા મનાવવામાં આવી હતી તે વાડીમાં એસેન્ટ કારમાં આવી પહોંચ્યા હતા. બીજી તરફ ક્ષણિક સુખ ભોગવનારા ત્રણેયની હાલત કફોડી બનતા હનીટ્રેપમાં શિકાર બરાબરનો ફસાયનું જણાતા ત્રણેયના કપડાં કઢાવી બીભત્સ વિડીયો ઉતારી લઈ બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી અને જીકિયારીના ત્રણેય શોખીન પાસેથી લાખ – લાખ આપવા પડે તેવી ધમકી આપી રકઝકના અંતે દોઢ લાખમાં સેટિંગ કરી ભોગ બનનારને મોબાઈલ નંબર આપી સવાર સુધીમાં પૈસા આપવા અલ્ટીમેટમ આપી વાડીની ઓરડીમાં બેફામ માર માર્યો હતો. આ ચકચારી હનીટ્રેપ કાંડમાં હળવદ પોલીસમાં ફરજ બજાવતા એલઆરડી એટલે કે લોકરક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલા ઉર્ફે કાનભા ઝાલાનું નામ બહાર આવ્યું હતું. આ એલ.આર.ડી.જવાન તથા મહિલા મળીને પાંચ શખ્સોએ જીકીયારી ગામના ત્રણ યુવાનો હનીટ્રેપમાં ફસાવી દોઢ લાખ રૂપિયાની માગણી કરીને રૂ.4 હજાર પડાવી લીધા હતા.આ ટોળકી વધુ બ્લેકમેઇલ કરતી હોવાથી જીક્રિયારીના યુવાનોએ અંતે એલ.સી.બીનું શરણું લીધું.હતું. આથી પોલીસે ગઈકાલે ભોગ બનનારનું નામ ગુપ્ત રાખી તેની ફરિયાદના આધારે પાંચ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને પોલીસે આજે આ હનીટ્રેપ કાંડના આરોપીઓ હળવદના એલ.આર.ડી.જવાન દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા, વસંતબેન જગદીશભાઈ ચાવડા, એજજભાઈ હનીફભાઈ કગથરા, મુઝઝફરભાઈ ઇકબાલભાઈ લોલડીયા, મુકેશભાઈ ભગવાનજીભાઈ સીણોજીયાને રૂ.4 હજાર તથા ગુન્હામાં વપરાયેલી કાર સાથે ઝડપી લીધા હતા.આ ટોળકીએ વધુ કોઈને હનીટ્રેપમાં ફસાવ્યા છે કેમ તે જાણવા માટે તમામ આરોપીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.