નજીવી બાબતે ધારીયું, પાઇપ, છરી, સોરીયું, પાવડો, ધોકા અને પથ્થર સાથે બઘડાટી,પાંચ મહિલા સહિત ૯ સામે ફરિયાદહળવદ : હળવદ તાલુકાના ઈશનપુર ગામે શેરીમાં ટ્રેક્ટર ઝડપથી ચલાવવા બાબતે સમજાવવા ગયેલા ત્રણ યુવકો સાથે પાંચ મહિલા સહિત નવ લોકોએ બોલાચાલી કરી હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા નજીવી બાબતે થયેલા ઝઘડાના બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે રહેતા હેમંતભાઈ બાલાભાઈ મકવાણા ઉ.૩૪ ગત તા.૧ સપ્ટેમ્બરે તેમના ભત્રીજા કેતનભાઈ તથા પ્રકાશભાઈ સાથે ઘર પાસે બેઠા હતા ત્યારે આરોપી ભરતભાઈ પાલાભાઈ મકવાણા ટ્રેક્ટર ઝડપથી ચલાવીને શેરીમાંથી પસાર થતા તેમને સમજાવવા ત્રણેય તેના ઘરે ગયા હતા. આ દરમિયાન આરોપી ભરતભાઈ, હમીરભાઈ, દશરથભાઈ, શારદાબેન, નિલેશભાઈ, હીરૂબેન, હંસાબેન તથા હિનાબેન અને કિંજલબેન સહિત કુલ ૯ લોકોએ એકસંપ અને ગેરકાયદેસર મંડળી રચી ધારીયું, ધોકો, લોખંડનો પાઇપ, છરી, પાવડો અને પથ્થરો જેવા હથિયારો બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.