પોલીસે આ બનાવ સાચો હોવાનું જણાવી સીસીટીવીમાં દેખાતી ત્રણ ગાડીઓના આધારે લૂંટારુઓનું લોકેશમ મેળવવાની કવાયત હાથ ધરી મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. આ લૂંટની ઘટનામાં પોલીસે ત્રણ ટિમો બનાવી લૂંટારુઓની સઘન શોધખોળ હાથ ધરી છે. તેમજ પોલીસે આ બનાવ સાચો હોવાનું જણાવી સીસીટીવીમાં દેખાતી ત્રણ ગાડીઓના આધારે લૂંટારુઓનું લોકેશમ મેળવવાની કવાયત હાથ ધરી છે. મોરબી નજીક આવેલ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમા કેશિયર તરીકે કામ કરતા નવી પીપળી ગામેં રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી બે દિવસ પહેલા સાંજે પોણા આઠેક વાગ્યાના સુમારે તેઓ ફેક્ટરીએથી કામ પતાવી ઘેર જતા હતા ત્યારે નવી પીપળી અને જૂની પીપળી વચ્ચે આશ્રમ નજીક એક અજાણી કારે તેમને ઠોકર મારી નીચે પછાડી દીધા હતા અને કારમાંથી ઉતરેલા અજાણ્યા ત્રણ શખ્સો તેમની પાસે રહેલ રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી ગયા હતા. અજાણ્યા ફોર વ્હીલમાં આવેલ ત્રણ અજાણ્યા માણસો લૂંટને અંજામ આપી નાસી જતા ઘટનાની જાણ થતાં તુરત જ મોરબી તાલુકા, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચારે તરફ જિલ્લામાં નાકા બંધી કરી ચંદ્રેશભાઈની ફરિયાદને આધારે રૂ.29 લાખની લૂંટ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આ બનાવને લઈને કેશિયરની ભૂમિકા અંગે પણ ઉડી પૂછપરછ હાથ ધરાઈ હતી. પણ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા ત્રણ ગાડી નીકળે છે. તેનાથી એક ગાડીમાં લૂંટારુઓ હોઈ શકે એમ હોવાથી આ ગાડીના આધારે લૂંટારુંઓનું લોકેશન મેળવવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. હાલ પોલીસની ત્રણ ટિમો અલગ અલગ દિશામાં લૂંટારુઓને ઝડપી લેવાની તપાસમાં કામે લાગી છે અને આ અંગે સઘન તપાસ ચાલુ છે.