બાઇક અથડાયા બાદ નુક્સાનીના પૈસા વસૂલવા બાબતે થયેલા ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામે મોટર સાયકલમાં નુકશાનીના પૈસાની લેતી દેતીમાં ત્રણ શખ્સોએ સાથે મળીને આધેડની પથ્થરના ઘા ઝીકીને હત્યા કર્યાના બનાવમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના મેરૂપર ગામે આવેલ યોગેશભાઈ હરજીવનભાઈ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના ચાંદપુર જિલ્લાના અલીરાજપુરના વતની દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણ નામના આધેડની ગતરાત્રે પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. મૃતકના પુત્ર નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ આરોપીઓ ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયા, ચંદુભાઈ જુબાટીયાભાઈ, છીતુંભાઈ જુબાટીયાભાઈ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો મુજબ મૃતક દેવલાભાઈ ચૌહાણ અને તેનો બનેવી બાજુ બાજુની વાડીમાં રહેતા હોય બાઇક અથડાવવા મુદ્દે બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતકના પુત્રનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું.આથી આરોપી છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના 500 રૂપિયા ફરિયાદી પાસે માંગતા ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરી ફરિયાદીના પિતા દેવલભાઈને પથ્થરો મારીને હત્યા નિપજાવી હતી. પોલીસે આ ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.