મોરબી : મોરબી તાલુકાના સાદુળકા ગામમાં નવેક મહિના પહેલા પાણી પુરવઠા બોર્ડના હેવી ટીસીમાંથી કોપર વાયર અને કોપર પ્લેટની મળીને કુલ રૂા.4.45 લાખની ચોરી થઈ હતી. જે બનાવમાં પોલીસે અગાઉ બે શખ્સોની અટકાયત કરી હતી અને ગઇકાલે વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોરબીના સામાકાંઠા આવેલ રોટરીનગરમાં રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા શૈલેષભાઈ જનકસિંહ વેધએ માં ગત તા.૨-૪-૧૯ ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પંપીંગ સ્ટેશનમાંથી અજાણ્યા ઇસમેા ૫૦ મીટર કેબલ વાયર રૂા. ૨૫ હજાર તેમજ અન્ય એક ૫૦ મીટર કેબલ વાયર રૂા. ૨૦ હજાર તથા ૧૧ કેવીની કેાપરની કોયલ નંગ બે રૂા.૪ લાખ એમ કુલ મળીને રૂા.૪.૪૫ લાખનો મુદ્દામાલ ચોરી ગયેલ છે. આ બનાવમાં ગઈકાલે મોરબી તાલુકા પોલીસ દ્વારા મુકેશ દેવા ભાંગીયાણા, (ઉંમર ૨૪, રહે.ચકાસરી વાંઢ કિડીયાનગર રાપર(કચ્છ), જાનમામદ અલીમામદ સમા (ઉમર ૨૭) અને ઈકબાલ અબ્રાહમ સમા (ઉમર ૨૪, રહે. બંને ચાંદરોડી વાંઢ તા.ભચાઉ જી.ભુજ-કચ્છ)ની ધોરણસરની અટકાયત કરેલ છે. ઉલ્લેખનીય છે કે આ બનાવમાં અગાઉ બે આરોપીઓ પકડાઈ ચુક્યા છે. હળવદમાં કોટન મિલમાં થયેલ ચોરીના બનાવમાં એલસીબીએ હસનેન ઉર્ફે લાલો ગુલામ ખેાલેરા મેમણ (ઉમર ૩૦, રહે. ખાટકીવાસ ફુલગલી મેારબી) અને લખમણ ગોવિંદ માલણીયાદ દેવીપુજક (ઉંમર ૫૦, રહે.સાપર(મચ્છુ) તા.જી.મોરબી)ની અટકાયત કરી હતી અને તેઓની પૂછપરછ કરતા તેઓએ હળવદની ઇલે. મોટર ચોરી ઉપરાંત મોરબીના સાદુળકા ગામે પાણી પુરવઠાના સંપમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી એલસીબીએ આ અંગે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે અગાઉ હસનેન અને લખમણની ઉપરોક્ત ચોરીના ગુનામાં અટકાયત કરી હતી.