મોરબીના મોબાઈલના વેપારી સાથે બાઈક અથડાવી ભક્તિનગર ઓવરબ્રિઝ પાસે ઘટનાને અંજામ અપાયો મોરબી : મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા મોબાઈલના વેપારી યુવાનને ગતરાત્રીના પોતાની બહેન સાથે મોબાઇલ ફોનમાં અવાર નવાર વાતો કરવા મામલે ત્રણ શખ્સોએ ભક્તિનગર સર્કલ પાસે બાઈક અથડાવી નીચે પછાડી દઈ છરીના આડેધડ ઘા ઝીંકી દેતા વેપારીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે અને બનાવ અંગે વેપારીના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની યદુનંદન સોસાયટી શેરી નં-૩ માં રહેતા અને નાસ્તા ગલીમાં મોબાઈલની દુકાન ધરાવતા ભાવિક ભરતભાઈ પુજારા ઉ.28 નામનો યુવાન ગતરાત્રીના સમયે ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નજીક બાઈક લઈને પસાર થતો હતો ત્યારે ઇલ્યાસભાઈ ઇબ્રાહીમભાઇ બ્લોચ, નવાજ બ્લોચ અને સહેજાદ શબ્બીરભાઈ સિપાઈ નામના ત્રણ શખ્સોએ બાઈક અથડાવી પછાડી દઈ આડેધડ છરીના ઘા ઝીકી દેતા પ્રથમ મોરબી બાદ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. વધુમાં આ બનાવ મામલે ભાવિકના પિતા ભરતભાઈ લક્ષ્મીચંદભાઈ પુજારાએ આરોપી ઇલ્યાસભાઈ ઇબ્રાહીમભાઇ બ્લોચ, નવાજ બ્લોચ અને સહેજાદ શબ્બીરભાઈ સિપાઈ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદ નોંધાવી છે અને પ્રાથમિક તપાસમાં આરોપીની બહેન સાથે ભાવિક ફોનમાં વાત કરતો હોવાનું અને આરોપીની બહેન પણ ભાવિકને ફોન કરતી હોય જે અંગેનો ખાર રાખી આ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. આ ગંભીર ઘટનાની જાણ થતા જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેય આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હોવાનું અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.