એલસીબીએ બે ગુનાનો ભેદ ઉકેલ્યો : ત્રિપુટીએ જ કાંતિનગર ગામેથી બાઇક ઉઠાવ્યું હોવાનું પણ ખુલ્યું મોરબી : મોરબી એલસીબીએ માળીયા-હળવદ હાઇવે પર ટ્રક ડ્રાઇવર પર હુમલો કરી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને રૂ. 93,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ જ ત્રિપુટીએ કાંતિનગર ગામેથી બાઇક ઉઠાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આમ એલસીબીએ બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.નોંધાયેલ ફરિયાદ મુજબ પ્રથમ ઘટના તા. ૦૭/૦૮/૨૦૨૫ ના વહેલી સવારે હળવદ-માળીયા હાઇવે પર તુલશીવન પેટ્રોલ પંપની નજીક બની હતી. ટ્રક ડ્રાઇવર કીરણભાઈ બબાભાઈ રાવળદેવ ટ્રકની કેબિનમાં આરામ કરતા હતા ત્યારે એક સફેદ અલ્ટો કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ લાકડાના ધોકા અને પાના-પકડ વડે આવીને ટ્રકમાંથી બે બેટરીઓ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવરે પ્રતિકાર કરતા આરોપીઓએ તેમને માર મારી, ધમકી આપી ટ્રકની બે બેટરીઓ અને રોકડા મળી કુલ રૂ.૧૫,૦૦૦/- ની લૂંટ ચલાવી હતી. બીજી ઘટનામાં, તા. ૧૬/૦૯/૨૦૨૫ ના રોજ મોરબીના કાંતિનગર ચામુંડા સ્ટીલ પાસે ફરીયાદી અસલમશાહ તાજમહમદભાઈ સંઘવાણીના રહેણાંક મકાન પાસેથી તેમનું કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અજાણ્યા શખ્સ ચોરી કરીને લઈ ગયા હતા.બાતમીના આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે પાવડીયારી કેનાલ પાસેથી એક સફેદ અલ્ટો કાર અને પાછળ નંબર પ્લેટ વગરના કાળા કલરના હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ત્રણ ઈસમો અયુબભાઈ અકબરભાઈ મોવર (ઉ.વ.૨૩, રહે. માળીયા-મીંયાણા), ગુલામ હુસેન ઉર્ફે ગુલ્લુ ઉમરસાઈ સમાણી (ઉ.વ.૨૨, રહે. માળીયા મીયાણા) અને ઈરફાનભાઈ ઇકબાલભાઈ સંઘવાણી (ઉ.વ.૧૯, રહે. માળીયા-મીંયાણા) ને ઝડપી પાડી ૩૫૦૦ રોકડા, ૫૦ હજારની કાર, ફોન, બેટરી, હોન્ડા સહિત રૂ.૯૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ મોડી રાત્રે અલ્ટો કારમાં આવીને રોડની સાઇડમાં પાર્ક કરેલા વાહનોમાંથી બેટરીઓ લૂંટવાની ટેવ ધરાવે છે. જો વાહન ચાલક પ્રતિકાર કરે તો તેના પર જીવલેણ હુમલો કરી લૂંટ કરતા હતા. તેમજ, સોસાયટીમાં લોક કર્યા વગરના પાર્ક કરેલા મોટરસાયકલની ચોરી પણ કરતા હતા. તેથી મોરબી પોલીસે જનતાને અપીલ કરી છે કે રાત્રિના સમયે પોતાના વાહનો રોડ પર પાર્ક કરવાને બદલે સુરક્ષિત સ્થળે, હોટલ કે પેટ્રોલ પંપના પાર્કિંગમાં સિક્યોરિટીની દેખરેખ હેઠળ પાર્ક કરવા. તેમજ ટુ-વ્હીલર મોટરસાયકલને હેન્ડલ લોક અવશ્ય કરવો જેથી લૂંટ અને ચોરીના બનાવો અટકાવી શકાય.