મૃતકના ભાઈએ મોટા દહીંસરાના ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : માળીયાના નવલખી બંદરે કોલસાની ગાડી ભરવાના ઝઘડામાં ત્રણ શખ્સોએ મોટાદહીં સરાના યુવાનને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માળીયા તાલુકાના નવલખી પોર્ટમાં વાસુકી કોલ નામની પેઢીમાં નોકરી કરતા અને મોટા દહીંસરા ગામે રહેતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજા નામના યુવક ગતરાત્રે પોર્ટમાં તેમની કંપનીની ગાડી લોડ કરાવતા હતા તે દરમિયાન ફોન ઉપર મયૂરસિંહ રણજીતસિંહ જાડેજા અને મયુર સિંહ વેલુભા જાડેજા નામના શખ્સ સાથે ટ્રક લોડ કરવા મુદે ઉગ્ર બોલાચાલી થઈ હતી બોલાચાલી વધુ ઉગ્ર બની ગઇ હતી. જે બાદ મોડી રાત્રે મયુરસિંહ રણજીતસિંહના ભાઈ સુર્યદીપસિંહ નામના શખ્સે દશરથ પર છરી વડે જીવલેણ હુમલો કરી દેતા યુવકને ગંભીર હાલતમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ થતાં માળીયા પોલીસ મથકના પીએસઆઇ ચુડાસમા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. આ અંગે મૃતકના ભાઈ કિરીટસિંહ ભગતસિંહ જાડેજાએ સુર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા, મયૂરસિંહ રણજીતસિંહ જાડેજા અને મયુર સિંહ વેલુભા જાડેજા વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.