રાત્રે 10 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં 72 MM વરસાદ નોંધાયો ટંકારા : વાવાઝોડાની આફત વચ્ચે અનેક જગ્યાએ વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે ટંકારામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટંકારામાં ગત રાત્રે 10 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં 72 MM વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ 84 MM વરસાદ નોંધાઈ ચુક્યો છે. હાલ ટંકારા પંથકમાં જોરદાર પવન સાથે મેઘરાજા વરસી રહ્યા છે. સદભાગ્યે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. પરંતુ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડઝન જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને વીજ પોલ અને વાયરો પણ તૂટી પડ્યા છે. ભારે પવનના કારણે પીજીવીસીએલની ટીમ કામે લાગી ગઈ છે. ફ્લડ કંટ્રોલ રૂમ ખાતે ટંકારા મામલતદાર કેતન સખિયા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.આર. હેરભા, એમડી ડોક્ટર દીપ ચિખલિયા, ફોરેસ્ટ ઓફિસર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના હિતેશ આદ્રોજા સહિતના અધિકારીઓ ટીમ સાથે ટંકારામાં તૈનાત છે. જ્યારે ટંકારામાં ગત રાત્રે 10 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં 72 MM વરસાદ નોંધાયો છે.