ડેમી-3નો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ ડેમમાં પાણીનો સંગ્રહ ન કરાતો હોવાથી ખેડૂતો પરેશાન : 2 વર્ષથી અનેક ગામો શિયાળુ પાક લઈ શકતા નથીમોરબી અપડેટ : મોરબીના કોયલી ગામ પાસે આવેલો ડેમી-3નો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ ડેમમાં પાણીનો સંગ્રહ ન કરાતો હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જેના કારણે અનેક ગામના ખેડૂતો ડેમી-2 પર નિર્ભર થયા છે. ચાચાપર, નેસડા, ખાનપર, કોયલી, રામગઢ અને કૃષ્ણનગર સહિત 6 ગામના ખેડૂતોએ ભેગા મળીને કુલ 2 લાખ 28 હજાર રૂપિયા ભર્યા બાદ ડેમી-2 ડેમમાંથી 3 દરવાજા 2 ફૂટ ખોલી 80 MCFT પાણી છોડવામાં આવ્યું છે. આ 6 ગામના ખેડૂતોએ પાક બચાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, તેમ છતાં પણ શિયાળુ પાકની આશા ધૂંધળી બની ગઈ છે, સતત બીજા વર્ષે શિયાળુ પાકનું વાવેતર પડતું મૂકવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.નાથાભાઈ રામભાઈ કુંભરવાડિયા નામના ખેડૂતે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 6 ગામના ખેડુતોએ યોગદાન આપીને ડેમી-2માંથી આ પાણી છોડાવ્યું છે. ખેડૂતોને કપાસ અને માંડવીના ઊભા પાકને બચાવવા માટે આ પાણી અત્યંત જરૂરી હતું. નાથાભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ અગાઉ પણ તેઓ 3 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચ કરીને 125 MCFT પાણી છોડાવી ચૂક્યા છે. ડેમી-3 ડેમની સ્થિતિ અંગે વાત કરતાં નાથાભાઈએ જણાવ્યું કે 2023માં ડેમી-3 ડેમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેને પગલે 2024થી સિંચાઈ વિભાગે ડેમી-3 ડેમ ન ભરવા અંગે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ કારણે ડેમના દરવાજા ઊંચા કરી દેવામાં આવ્યા છે અને તેમાં પાણી સંગ્રહિત થતું નથી. ડેમમાં પાણી જ ન હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી અને તેમને ડેમી-2 ડેમમાંથી પાણી છોડાવવું પડે છે.આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નાથાભાઈના જણાવ્યા મુજબ, ડેમમાં પાણી ન હોવાને કારણે છેલ્લા 2 વર્ષથી 2024, 2025 અને હવે 2026 માં પણ શિયાળુ પાકનું વાવેતર થઈ શકશે નહીં. અત્યારે જે પાણી છોડવામાં આવ્યું છે તે માત્ર 45 દિવસ સુધી જ ચાલશે, જેનાથી કપાસ અને માંડવીના બે-ત્રણ પાણ જ થશે. ત્યારબાદ શિયાળા માટે પાણી બચશે નહીં, તેથી ખેડૂતોને રવી પાકથી વંચિત રહેવું પડશે. ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા જલ્દીથી ડેમી-3 ડેમનું નવું બાંધકામ શરૂ કરવામાં આવે અને તેમની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.#MorbiUpdate #Demi2Dam #FarmersIssue #IrrigationProblem #Tankara #GujaratFarmers #CropDamage