મોરબી: મોરબી ફાયર કંટ્રોલ રૂમ 101ને આજે દિવસ દરમિયાન આગ લાગવાના ત્રણ અલગ-અલગ કૉલ મળ્યા હતા. જોકે, સદભાગ્યે આ ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ માલ-મિલકત અને વન્ય સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. મોરબી ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળો પર પહોંચીને આગને કાબૂમાં લેવાની સરાહનીય કામગીરી કરી હતી.પ્રથમ ઘટના સવારે 11:00 વાગ્યે લજાઈ નજીક આવેલી બીજ કોર્પોરેશન કંપનીમાં બની હતી, જ્યાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર ટીમ દોડી ગઈ હતી. બીજી ઘટના બપોરે 03:06 વાગ્યે લાલપર નજીક આવેલા વન વિભાગના જંગલમાં બની હતી. આ આગના કારણે વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા ઝાડને નુકસાન પહોંચ્યું હતું. સાંજે લગભગ 06:55 વાગ્યે આગનો ત્રીજો કૉલ ઘુંટુ રોડ પર હરીૐ સોસાયટીની સામે આવેલી એક પંચરની દુકાનેથી મળ્યો હતો. દુકાન બહાર પડેલા ટાયરોમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ત્યાંનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મોરબી ફાયર ટિમ દ્વારા ત્રણેય સ્થળોએ સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.