મોરબી: મોરબી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી અને બીઆરસી ભવન મોરબી દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ-મોરબીના રમણીય વાતાવરણમાં શિક્ષકો માટે 'યોગ, શારીરિક શિક્ષણ અને આનંદમયી શનિવાર' વિષય પર ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું. આ તાલીમમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તાલીમનો મુખ્ય હેતુ શિક્ષકોને યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા શારીરિક-માનસિક આરોગ્યને મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ સાથે, 'આનંદમય શનિવાર' અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતો, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, સર્જનાત્મક કળાઓ અને જીવનકૌશલ્ય વિષયક પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. શિક્ષકોને આ પ્રવૃત્તિઓ શાળામાં કેવી રીતે અસરકારક રીતે અમલમાં મૂકવી તેનું પ્રાયોગિક માર્ગદર્શન પણ મળ્યું.તાલીમ દરમિયાન વિવિધ તજજ્ઞો દ્વારા સત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. ચંદ્રકાંતભાઈ બાવરવા દ્વારા પતંજલિ યોગસૂત્રમાં દર્શાવેલ યોગના આઠ અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામનો સૈદ્ધાંતિક પરિચય આપવામાં આવ્યો હતો. શૈલેષભાઈ કાલરીયાએ ધ્યાન અંગે સમજ અને નિદર્શન કરાવ્યું હતું, જ્યારે ઉમેશભાઈ બોપલીયાએ રિફાઇનિંગ એક્સરસાઇઝ, થ્રી એસ. આર. બી. યોગ અને નાદ યોગનું જ્ઞાન આપ્યું હતું. રાજુભાઇ વ્યાસ દ્વારા સૂર્ય નમસ્કાર અંગેનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.તાલીમ દરમિયાન યોજાયેલી વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર શિક્ષક ભાઈઓ-બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર તાલીમને સફળ અને અસરકારક બનાવવા માટે મોરબી બીઆરસી કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા અને સમગ્ર બીઆરસી ટીમે ખૂબ જ સુંદર આયોજન અને મહેનત કરી હતી, જેમાં બધા સીઆરસી મિત્રોએ પણ તજજ્ઞ તરીકેની ભૂમિકા ભજવી હતી. આ પહેલથી શાળાઓમાં શિક્ષણ વધુ રસપ્રદ, આરોગ્યદાયક અને આનંદમય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.