19, 20 અને 21 ના રોજ ત્રણ દિવસ સવારે 10:30 થી સાંજે 05:30 સુધી કેમ્પ યોજાશે મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) હેઠળ લાભાર્થીઓને પાકાં મકાન બનાવવા માટે સહાય પૂરી પાડવા કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ 19, 20 અને 21 ના રોજ ત્રણ દિવસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 19/08/2025 ને મંગળવારે મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-4ની કચેરી (જૂની ભડિયાદ ગ્રામપંચાયતની કચેરી) ખાતે આવતીકાલે 20/08/2025 ને બુધવારે મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-4ની કચેરી (જૂની ત્રાજપર ગ્રામપંચાયતની કચેરી) તેમજ 21/08/2025 ને ગુરુવારના રોજ સો-ઓરડી બાલમંદિર ખાતે કેમ્પ યોજાશે. તમામ સ્થળોએ કેમ્પનો સમય સવારે 10:30 થી સાંજે 05:30 સુધીનો રહેશે.આ યોજના અંતર્ગત, 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તારના મકાન જેમાં બે રૂમ, રસોડું, શૌચાલય અને બાથરૂમની સુવિધા હોય તે બનાવી શકાશે. કેન્દ્ર સરકાર તરફથી ₹1,50,000/- અને રાજ્ય સરકાર તરફથી ₹2,50,000/- મળી કુલ ₹4,00,000/- ની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર રહેશે. આ સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.આ યોજનાનો લાભ એવા નાગરિકો લઈ શકે છે જેમની પાસે પોતાની માલિકીનું કાચું, અર્ધ-કાચું, જર્જરિત મકાન અથવા ખુલ્લો પ્લોટ હોય, જેમની કૌટુંબિક વાર્ષિક આવક ₹3,00,000/- સુધી હોય અને જેમણે ભારતભરમાં અગાઉ આવાસ યોજનાના કોઈપણ ઘટકનો લાભ લીધેલ ન હોય.