કાલે કચ્છ, બનાસકાંઠામાં રેડ અને રાજકોટ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ વલસાડના કપરાડામાં સવા સાત ઈંચ વરસાદ સાથે રાજ્યના 209 તાલુકામાં મેઘમહેર મોરબી : ગુજરાત ઉપર એક સાથે પાંચ-પાંચ વરસાદી સિસ્ટમને પગલે મેઘરાજાએ વધુ એક સાર્વત્રિક રાઉન્ડ લઈ વરસાદ વરસાવી રહ્યા છે જેમાં શનિવારે સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. શનિવારે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં સવા સાત ઈંચ તો સૌરાષ્ટ્રમાં બોટાદમાં સાડા ત્રણ, રાજકોટના પડધરીમાં સવા ત્રણ ઈંચ તેમજ જામકંડોરણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જો કે, આવતીકાલે પણ હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સાથે જ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.શનિવારે મોરબી જિલ્લામાં માળિયામાં સૌથી વધુ 15 મીમી વરસાદ વરસ્યો હતો અને અન્યત્ર ઝાપટા વરસ્યા હતા.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી આજે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સાથે જ ગાંધીનગર, પાટણ, મહીસાગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.દરમિયાન શનિવારે રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને વલસાડ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે સાંજ સુધીમાં વલસાડના કપરાડામાં સવા સાત ઈંચ, બોટાદમાં 3.5 ઈંચ, સાબરકાંઠાના પોસીનામાં 3.27 ઈંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઈંચ, જામકંડોરણામાં 2.83 ઈંચ, ધોરાજીમાં 1.85 ઈંચ, જામનગરના કાલાવડમાં 1.61 ઈંચ, જૂનાગઢના માણાવદર અને કચ્છના રાપરમાં 1.57 ઈંચ, માળીયા હાટીનામાં 1.5 ઈંચ, ભચાઉમાં 1.42 ઈંચ, બોટાદના ગઢડામાં 1.38 ઈંચ, સુરેન્દ્રનગરના દસાડા, ગીર સોમનાથના તલાલા વિછિયા અને ગોંડલમાં 1.06 ઈંચ તેમજ જામનગરના જામજોધપુરમાં એક ઈંચ, મોરબીના માળિયામાં 15મીમી, ટંકારામાં 6 મીમી, મોરબીમાં ત્રણ મીમી અને વાંકાનેરમાં એક મીમી સહિત રાજ્યના 209 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.