સગીરાના નગ્ન ફોટો વિડીયો ઉતારી લઈ ઇન્સ્ટાગ્રામમા વાયરલ કરવા ધમકી આપી ઘરમાં ચોરી કરાવી રૂ.16 હજાર પડાવી લેવાના કેસમાં પોકસો કોર્ટનો કડક ચુકાદો મોરબી : મોરબીમાં ગત વર્ષે મે 2022મા રવાપર રોડ ઉપર રહેતી સગીરાને પ્રેમજાળમા ફસાવી માનસિક વિકૃત એવા ત્રણ ત્રણ નરાધમ શખ્સોએ સગીરાના નગ્ન ફોટો વિડીયો આપવા દબાણ કરી દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં મોરબીની નામદાર પોકસો અદાલતે માત્ર 10 મહિનાના ટૂંકા સમયગાળામાં કેસ ચલાવી લઈ 45 દસ્તાવેજી પુરાવા અને 21 મૌખિક પુરાવા ધ્યાને લઇ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલો બાદ સ્પેશિયલ પોકસો અદાલતના જજ ડી.પી.મહિડા સાહેબે ત્રણેય નરાધમ અપરાધીઓને 7 વર્ષથી લઈ 20 વર્ષની આકરી સજાની સાથે દંડ ફટકારી બોગ બનનાર સગીરા માટે રૂપિયા 1 લાખ કંપેનસેશન મંજુર કરતો હુકમ કર્યો છે. મોરબીના આ ચકચારી કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબીના રવાપર રોડ ઉપર રહેતી સગીરાને તેણી જ બહેનપણીના બોયફ્રેન્ડના સંપર્કમાં આવ્યા બાદ કુમળા માનસપટ્ટ ઉપર ફ્રેન્ડશીપનું આકર્ષણ જાગતા એક પછી એક ત્રણ ત્રણ નરાધમ અને વિકૃત માનસિકતા ધરાવતા શખ્સોનો ભેટો થયો હતો અને ધીમે ધીમે બ્લેકમેઇલિંગની જાળમાં ફસાઈ હતી.આ સગીરા સૌ પ્રથમ સોઓરડીમા પરશુરામ નગરમાં રહેતા મિત ચંદુભાઈ સિરોહિયા સાથે ભેટો થયો હતો જેમા મિતે આર્યન આહીર તરીકેની ખોટી ઓળખ આપી સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે મિત્રતા કેળવી હતી અને બાદમાં રૂપિયા 4000 ઘરમાંથી લાવવા દબાણ કરી નાણાં પડાવ્યા હતા. બાદમાં હવસખોર મિતે સગીરાને મુખમૈથુન કરતા વિડીયો ફોટોગ્રાફ મોકલવા દબાણ કરવાની સાથે આર્યન આહીર સાથે મુલાકાત કરાવવાની લાલચ આપી સગીરા પાસે ઘરમાંથી વધુ પૈસા લાવવા માંગણી કરી હતી. સાથે જ નગ્ન ફોટા માંગતા સગીરાની બહેનપણીએ બીજા આરોપી હર્ષ કાંતિભાઈ સાણંદિયા સાથે સંપર્ક કરાવ્યો હતો અને હર્ષ પટેલ સગીરા નાબાલિક હોવાનું જાણતો હોવા છતાં સગીરાને અલ્ટો કારમાં લઈ જઈ મુખમૈથુન કરાવતો વિડીયો બનાવ્યો હતો. આ ઉપરાંત વિશિપરામા રહેતા ત્રીજા આરોપી આર્યન શબ્બીરભાઈ સોલંકીએ પણ સગીરા સાથે મુખમૈથુન કરતો વિડીયો, ફોટો બનાવી આ વીડિયો આપવાના બદલામાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ સમગ્ર મામલાની સગીરાના પરિવારને જાણ થતા ભોગ બનાનારને હિમત આપી ગત મે માસમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભદ્ર સમાજમાં હાહાકાર મચાવી દેનાર આ ચકચારી બ્લેકમેઇલિંગ અને દુષ્કર્મ અંગેના કેસમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના તત્કાલીન પીઆઇ પંડયા સહિતના સ્ટાફે બારીકાઈ ભરી તપાસ કરી ત્રણેય નરાધમ આરોપીઓ કાયદાની ચુંગાલમાંથી ન છટકી શકે તે માટે મોબાઈલ ફોનના ફોરેન્સિક લેબ રિપોર્ટથી લઈ સજ્જડ પુરાવાઓ એકત્રિત કરી કેસને મજબૂત બનાવ્યો હતો. દરમિયાન મોરબીની નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા પણ ભોગ બનનારને ઝડપી ન્યાય મળે તે માટે માત્ર દસ જ મહિનાના સમય ગાળામાં આ ચકચારી કેસમાં 45 દસ્તાવેજી પુરાવા અને 21 મૌખિક પુરાવાઓ ધ્યાને લેવાની સાથે સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલો બાદ ત્રણેય નરાધમોને 7 વર્ષથી લઈ 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ જજ ડી.પી.મહિડા સાહેબે કર્યો છે. વધુમાં નામદાર સ્પેશિયલ મોરબી પોકસો કોર્ટ દ્વારા આ કેસમાં આરોપી મિત ચંદુભાઈ સિરોહિયાને સાત વર્ષની કેદ અને 10 હજાર દંડ, આરોપી હર્ષ કાંતિભાઈ સાણંદિયાને પોકસો કાયદા હેઠળ 10 વર્ષની કેદ અને 15 હજારનો દંડ તેમજ આરોપી આર્યન શબ્બીરભાઈ સોલંકીને 20 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. સાથે સાથે ભોગ બનનાર સગીરાને રૂપિયા 1લાખ કંપેનસેશન ઉપરાંત આરોપીઓ દંડ ભરે તે 55 હજારની રકમ પણ કંપેનસેશન તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો.