વર્ષ 2010માં રેતી ચોરી કરવાના કેસનો હળવદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હળવદ : હળવદની બ્રાહ્મણી નદીમાં 2010 માં રેતી ચોરી કરવાના કેસનો હળવદ કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં ખનિજચોરી કરનાર ત્રણ આરોપીઓને સાડાચાર વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગે ગત તા.12/10/2010ના રોજ હળવદના મિયાણી ગામે બ્રાહ્મણી નદીમાં ગેરકાયદે રેતી ચોરી થતી હોવાની ફરિયાદ સંદર્ભે ઓચીતું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન એક હીટાચી મશીન ઝડપી લીધું હતું. આ ખનીજ ચોરીની તપાસ કરતા રૂ.5.89 લાખની રેતી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ સંદર્ભે ખાણ અને ખનીજ વિભાગે ચાર શખ્સો સામે ખનિજચોરીની જે તે સમયે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસ પણ ધોરણસરની કાર્યવાહી કરી હતી. જ્યારે ચાલુ કેસ દરમિયાન એક આરોપીનું અવસાન થયું હતું. ત્યારે આ ખનિજચોરીનો કેસ આજે પી.ડી.જેઠવા સાહેબ એડી.ચીફ.જ્યૂડી.મેજી. ની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે રજૂ થયેલા 6 મૌખિક, 11 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ એ. પી. મારવણીયાની દલીલોને ધ્યાને લઇ કોર્ટે આ કેસના ત્રણ આરોપીઓ ખીમજીભાઈ મહાદેવભાઈ ખટારીયા, કૈલાસચંદ્ર હીરાલાલ રાજપુરોહિત અને ચતુરભાઈ લાભુભાઈ સાતેલાને દોષિત ઠેરવીને સાડાચાર વર્ષની કેદની સજા અને રૂ. 55 હજારનો દંડ ફટકાર્યો હતો.