ખેતીવાડીનું વીજબિલ ચડત થઈ જવા છતાં ભરપાઈ ન કરતા વીજ જોડાણ કાપવા જતા બે ભાઈઓ ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વાંકાનેર : વાંકાનેરના અરણીટીબા ગામે દાદીના નામના ખેતીવાડીના વીજ જોડાણના બીલની મોટી રકમ ચડત થઈ જવા છતાં બે ભાઈઓએ આ વીજબિલ ન ભરતા વીજ કર્મચારીઓએ ગઈકાલે તેમના વીજજોડાણ કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ તે દરમિયાન બે ભાઈઓએ લાજવાને બદલે ગાજી વીજ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર પી.જી.વી.એલ. વિભાગના કર્મચારી વાસુદેવભાઈ છગનભાઈ જેઠલોજાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, વાંકાનેરના અરણીટીબા ગામે રહેતા સરફરાઝભાઈ મામદભાઈ માથકીયા, મંજુરભાઈ મામદભાઈ માથકિયા તેમના દાદી આશીબેન અહમદભાઈ માથકિયાના નામે ખેતીવાડીનું વિજજોડાણ ધરાવે છે. પરંતુ આ બન્ને ભાઈઓએ ઘણા સમયથી વિજબીલ ભરતા ન હોવાથી રૂ.1.40 લાખનું વિજબીલ ચડત થઈ ગયું હતું. આથી ગઇકાલે વીજ કર્મચારીઓ તેમના ગામે ખેતીવાડીનું વીજ જોડાણ કાપવા ગયા હતા. પરંતુ બન્ને ભાઈઓએ આ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી વીજ જોડાણ કાપવા નહિ દઈને વીજ કર્મચારીઓને હાથ પગ ભાગી નાખવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en