મોરબી : મોરબીના રોહીદાસપરામાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણી ભરાયેલા રહેતા હોય અને સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા દલસુખભાઈ મુળજીભાઈ ચૌહાણ નામના રહીશે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.મોરબીના રેલવે સ્ટેશન પાછળ આવેલા રોહીદાસપરાના રહીશ દલસુખભાઈ ચૌહાણે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, રોહીદાસપરા વિસ્તારમાં આરોગ્યને હાનિકારક ગંદા પાણીના નિકાલ બાબતે અગાઉ બે વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેથી જો તાત્કાલિક ધોરણ 10 દિવસમાં નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કચેરી ખાતે આત્મવિલોપન કરી જીવન ટૂંકાવી લઈશ. આમ સ્થાનિક રહીશ દ્વારા મહાનગરપાલિકા કમિશનર સમક્ષ તાત્કાલિક ધોરણે નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું છે.