પ્લોટ ફાળવવા મંજૂરી મળ્યાને 10 મહિના થયા છતાં લાભાર્થીઓને પ્લોટ ન મળ્યાના આક્ષેપો સાથે કલેકટરને રજુઆતમોરબી: મોરબીના એક સામાજિક કાર્યકર અનિલભાઈ સી. અંબાલીયાએ 100 ચોરસ વારના મફત ઘરથાળ પ્લોટ ફાળવવામાં થતા વિલંબના વિરોધમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કલેક્ટર કચેરીમાં પત્ર લખીને આ ગંભીર પગલાની જાણ કરી છે.પત્રમાં જણાવાયું છે કે, 20 ઓગસ્ટ, 2010ના રોજ તાલુકા પંચાયત લેન્ડ કમિટી દ્વારા 34 લાભાર્થીઓને મફત ઘરથાળ પ્લોટ મંજૂર કરવામાં આવ્યા હતા. તેમાંથી 24 ઓક્ટોબર, 2024ના રોજ 17 લાભાર્થીઓને પ્લોટનો કબજો સોંપવામાં આવ્યો હતો. બાકી રહેલા 17 લાભાર્થીઓમાંથી 4ના નામ મકાન હોવાને કારણે અને 2ના ડોક્યુમેન્ટ્સ પૂરા ન થવાને કારણે રદ કરવામાં આવ્યા હતા.પત્ર અનુસાર, બાકી રહેલા 11 લાભાર્થીઓને 24 ડિસેમ્બર, 2024ના રોજ પ્લોટ ફાળવવા માટે મંજૂરી મળી ગઈ હતી. તેમ છતાં, છેલ્લા 10 મહિનાથી આ લાભાર્થીઓને પ્લોટ મળ્યા નથી. અનિલભાઈએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ મામલે ટી.ડી.ઓ. દ્વારા મહાનગરપાલિકા અને ડી.ડી.ઓ.ને પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ બંને વિભાગના અધિકારીઓ આ મામલે એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જેના કારણે ગરીબ લાભાર્થીઓને પ્લોટ મળતા નથી.અનિલભાઈએ કલેક્ટરને અપીલ કરી છે કે આ પ્રશ્નનો ઉકેલ 10 દિવસમાં લાવવામાં આવે. જો આમ નહીં થાય તો તેઓ 25 સપ્ટેમ્બર, 2025ના રોજ કલેક્ટર કચેરીએ પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરશે તેવી ખાસ નોંધ લેવા પણ જણાવ્યું છે.