મોરબી : મોરબીના યદુનંદન 22ની પાછળ ન્યૂ ચંદ્રેશનગરની બાજુમાં આવેલી રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને રહીશોએ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા જણાવ્યું છે.રૂષભ પાર્ક સોસાયટીના રહીશોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, સૌ લોકો આ સોસાયટીમાં અંદાજે 8 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. પૂર્વ કાઉન્સિલર કુંદનબેન માકાસણા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પ્રયત્નોથી વર્ષ 2024માં પાણીની લાઈન નાખવામાં આવી હતી. ત્યારબાદ માત્ર 10 મિનિટ ટેસ્ટિંગ કરીને પાણી બંધ કરી દેવાયું હતું જે આજદિન સુધી આ લાઈનમાં પાણી છોડવામાં આવ્યું નથી. આ અંગે ગત એપ્રિલ મહિનામાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના બન્ને ડેપ્યુટી કમિશનરને રૂબરૂ 3 વખત મળીને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઈ સમાધાન થયું નથી. જો આગામી 7 દિવસમાં પાણીની સમસ્યા દુર નહીં થાય તો સોસાયટીના સૌ લોકો મહાનગરપાલિકા કચેરીએ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.