રાજકીય અગ્રણીના ભાઈને ફોનમાં તેમજ રૂબરૂ ધમકી આપવામાં આવતા ફરિયાદમોરબી : મોરબીના રાજકીય આગેવાન વિશે સોશિયલ મીડિયામાં બાકી ઉઘરાણી અંગે રીલ મૂકવામાં આવતા રાજકીય અગેવાનના કૌટુંબિક ભાઈએ ટિપ્પણી કરતા કોમેન્ટ ડીલીટ કરવા મામલે મોરબીના શખ્સે ગાળો આપી જીવવા નહિ દે તેવી ધમકી આપ્યા બાદ કોલરેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા બનાવ મામલે આઇટી એકટ સહિતની કલમ મુજબ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા અને કંડલા બાયપાસ ઉપર એમ્પાયર સ્કવેર બિલ્ડીંગના સિરામિક ટ્રેડિંગનો ધંધો કરતા કુલદીપ હરિભાઈ લોરીયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી યોગેશ કાસુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, જે.ટી.કાસુન્દ્રા નામની ફેસબુક આઈડી ઉપર ખાનપર ઘુનડા ગામે રહેતા જયેશ તુલસી કાસુન્દ્રાએ રિલ્સ મૂકી હતી જેમાં જયેશે કુલદીપના કૌટુંબિક ભાઈ અને રાજકીય અગ્રણી અજય લોરીયાને નાણાકીય હિસાબ બાબતે ચાલતા વિવાદ અંગે વીડિયો પોસ્ટ કર્યો હોવાથી કુલદીપે હિસાબ જોઈ તો હોય તો મોરબી આવવું પડે તેવી કોમેન્ટ કરતા વળતી કૉમેન્ટમાં યોગેશ કાસુન્દ્રાએ ફરિયાદી કુલદીપ લોરીયા તેમજ તેમના કૌટુંબિક ભાઈ અજય લોરીયા વિશે બેફામ ગાળો લખી ચારિત્ર્ય ઉપર આક્ષેપ કરી કુલદીપે કરેલી કોમેન્ટ ડીલીટ કરવા ધમકી આપી હતી.વધુમાં ફરિયાદી કુલદીપને આરોપી યોગેશ મહેન્દ્રનગર નજીક રૂબરૂ મળતા રૂબરૂમાં પણ ગાળો આપી કોમેન્ટ ડીલીટ કરી નાંખજે નહિતર જીવવા નહિ દઉં તેવી ગર્ભિત ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઇટી એકટ સહિતની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી હતી.