૨૧ જુલાઈથી ૧૯ સપ્ટેમ્બર સુધીમાં નાગરિકોએ ઓનલાઈન માધ્યમથી કુલ રૂ. ૧,૦૧,૧૪,૮૭૬ નો ટેક્સ ભર્યોમોરબી : મોરબી મહાપાલિકાએ નાગરિકોની સુવિધા માટે એક વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જેનાથી હવે નાગરિકો ઘર બેઠા ઘણી સેવાઓનો લાભ લઈ શકશે. આ નવી ડિજિટલ સેવાઓથી નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરી શકે છે, પોતાની મિલકતની માહિતી જોઈ શકે છે, અને ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકે છે.આ મુજબ મહાપાલિકા દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, ૨૧ જુલાઈ, ૨૦૨૫ થી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં નાગરિકોએ ઓનલાઈન માધ્યમથી કુલ રૂ. ૧,૦૧,૧૪,૮૭૬ નો ટેક્સ ભર્યો છે. આ ઉપરાંત, ટેક્સ કલેક્શન સેન્ટરો દ્વારા રૂ. ૪,૩૬,૭૫,૪૭૦ અને ક્લસ્ટર ઓફિસો દ્વારા રૂ. ૬૭,૩૨,૬૪૭ નો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે.મહાપાલિકાએ નાગરિકોને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં વેરો ભરવા અપીલ કરી છે. આ સમયગાળામાં વેરો ભરનાર નાગરિકોને ચાલુ વર્ષના મિલકત વેરા પર ૧૦% એડવાન્સ રિબેટ મળશે, અને જો તેઓ ઓનલાઈન ચુકવણી કરશે તો વધારાનો ૨% રિબેટ પણ મળશે.આ નવી એપ્લિકેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૬૭ ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી ૫૬૮ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકીની ફરિયાદો પર કાર્યવાહી ચાલી રહી છે. મહાપાલિકાએ નાગરિકોને આ ડિજિટલ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.