મોરબી : કોરોનાનાં વધતા જતા કહેરને લઈને જામનગર જિલ્લાને સિલ કરવામાં આવ્યો છે. જેથી હવે મોરબી જિલ્લાના જે લોકો પાસે પાસ હશે તેઓને પણ જામનગર જવા નહિ મળે તેમ જાણવા મળ્યું છે. જામનગર જિલ્લો કોરોના મુક્ત હતો. પરંતુ અચાનક જ બહારના જિલ્લામાંથી આવેલા લોકોના કારણે કોરોનાના કેસો વધી જતાં વહિવટ તંત્ર સાબદુ બન્યું છે. જિલ્લા કલેકટર રવિશંકરે જામનગર જિલ્લાને સિલ કરી દીધો છે અને બહારના જિલ્લામાંથી જે તે તંત્રને પાસ ઇસ્યુ ન કરવા સૂચના આપી છે. વધુમાં એવું પણ જાહેર કરાયુ છે કે તંત્ર દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવશે તો પણ જિલ્લામાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ. જો કોઈ ઇમરજન્સી કેસ હોય તો જે તે જિલ્લાના તંત્રએ પ્રથમ જામનગર જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાંથી જો કોઈ વ્યક્તિ પાસે પાસ હશે તો પણ તે જામનગર જિલ્લામાં પ્રવેશ મેળવી શકશે નહીં.