સ્ત્રીઓએ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા પુરવાર કરી છે મોરબી: તા. 8 માર્ચને મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની નારી વધુ આગળ આવે તેના માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક વિકાસમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ #ChooseToChallenge છે. તે સૂચવે છે કે 'પડકારજનક દુનિયા એક ચેતવણીવાળી દુનિયા છે, અને પડકારથી પરિવર્તન આવે છે'.આ વર્ષે, આપણને બધાને જે વસ્તુએ પાછળ રાખી છે તે દરેક વસ્તુને પડકારવાનું પસંદ કરી શકીએ છીએ, અને વધુ સારા સહયોગી બની શકીશું. અત્યાર સુધી મહિલાઓનું સ્થાન રસોડમાં જ ગણવામાં આવતું હતું. પરંતુ આજે વિજ્ઞાન, ટેકનોલોજી, સૈન્યદળ સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસો કરી નારીઓના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભેખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના વિકાસ માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.વર્ષ 1909માં આ યાત્રાની શરૂઆત થાય છે. જ્યારે પહેલીવાર અમેરિકામાં સોશલિસ્ટ પાર્ટીએ 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનુ એલાન કર્યુ. આ પ્રક્રિયા ત્યાં 1913 સુધી ચાલી. આ રીતે વિશ્વમાં પહેલીવાર કોઈ દેશમાં સ્ત્રીઓને સમર્પિત કોઈ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યાના એક અઠવાડિયા પછી એક દર્દનાક દુર્ઘટના થઈ. ન્યૂયોર્ક સીટીમાં 25 માર્ચના રોજ થયેલ ભીષણ અગ્નિકાંડમાં 140થી વધુ કામકાજી સ્ત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. જેમા મોટાભાગની ઈતાવલી અને યહૂદી સ્ત્રીઓ હતી. આ ઘટનાએ સ્ત્રીઓની કામકાજની સ્થિતિઓ તરફ ધ્યાન ખેચ્યું અને મહિલાઓના મુદ્દામાં આ પણ એક મુદ્દો બની ગયો. ત્યારબાદ 1914માં પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા રૂસમાં શાંતિની અપીલ કરનારી મહિલાઓએ ફેબ્રુઆરીના અંતિમ રવિવારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવ્યો. આ વર્ષે વિચાર-વિમર્શ પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે આઠ માર્ચનો દિવસ નક્કી કરવામાં આવ્યો. ત્યારથી દુનિયાભરમાં આ જ દિવસને ઉજવવામાં આવે છે.