હવે આ બધું બંધ કરો નહિતર મારે મેદાનમાં ઉતરવું પડશે : અંતે ખાણ ખનીજ વિભાગે નંબરપ્લેટ વગરનું 35 લાખનું ફાયર ક્લે ભરેલું ડમ્પર કબ્જે કર્યું મોરબી : સબ ભૂમિ ગોપાલ કી...... ઉક્તિને સાર્થક કરતી નીતિ રીતિ મુજબ મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વગરના ડમ્પરો આરટીઓના અધિકારીઓને લાખો રૂપિયાના હપ્તા આપી પોલીસને સાચવી લઈ ખાણખનીજ વિભાગને સાથે રાખી રેતી, કપચી, ફાયર ક્લેનું ખુલ્લેઆમ બેરોક્ટોકપણે પરિવહન કરી રહ્યા છે ત્યરે ગઈકાલે જેતપર રોડ ઉપર મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલે આવું જ એક ડમ્પર પકડી પાડી તમામ વિભાગોની પોલ ખુલ્લી કરતા અંતે ખાણખનીજ વિભાગે ફાયર ક્લે ભરેલું ડમ્પર કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા આરટીઓને મહિને દહાડે લાખો રૂપિયાના હપ્તા ચૂકવી ખનીજનું ગેરકાયદેસર પરિવહન કરવામાં આવતું હોવાનું જગજાહેર છે ત્યારે ગઈકાલે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ તેમના માદરે વતન એવા જેતપર અને નવા દેવળીયા ગામ વચ્ચેથી ફાયર ક્લે ભરેલું નંબર વગરનું ડમ્પર પકડી પાડી પોલીસ. ખાણખનીજ અને આરટીઓ વિભાગની મિલીભગતની પોલ છતી કરી નાખી તાત્કાલિક અસરથી પગલાં ભરવા માટે તંત્રને લાચાર કર્યું હતું. બીજી તરફ લાજ શરમ વગરના આરટીઓ તંત્રના તંત્રવાહકો હજુ સુધી ધારાસભ્યના પગલાં બાદ પણ જાગૃત થયા નથી ત્યારે આ ગંભીર બનાવ મામલે મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ પકડી પાડેલ નંબર વગરના ડમ્પરના માલિક જનક રબારી ડમ્પર નંબર જીજે-13-ax 0146 વાળા વિરુદ્ધ અંદાજે 30થી 35 લાખની કિંમતના ડમ્પર અને ફાયર ક્લેના જથ્થા પરિવહન કરવા મામલે ગુન્હો નોંધાવવા તજવીજ શરૂ કરી હાલમાં ખાણખનીજ વિભાગના કાયદા અન્વયે કાર્યવાહી શરૂ કર્યાનું જાણવા મળે છે.