રોડ ખોદી નાખ્યા બાદ લોકડાઉનના કારણે કામ બંધ રહેતા હવે મુશ્કેલી વધી મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર હાલ એકબાજુના ભાગે સ્વિમિંગ પુલની જેમ વરસાદી પાણી ભરાયા છે. રોડ ખોદી નાખ્યા બાદ લોકડાઉનનું ગ્રહણ નડતા આ કામ અટક્યું હતું. તેથી, રોડ પરના મોટા ખાડામાં વરસાદી પાણી ભરાયા છે. તેથી, વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. મોરબીનો વાવડી રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. આથી, સ્થાનિકોની રજુઆતને પગલે વાવડી રોડનો સીસીરોડ મંજુર કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ મોરબી દ્વારા કપિલા હનુમાનજી મંદિરથી વાવડી ચોકડી સુધીનો 2 કિ.મી.નો રોડ રૂ. 6 કરોડના ખર્ચે સીસી રોડ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ગત ફ્રેબ્રુઆરી માસમાં વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો. માર્ચ મહિનામાં લોકડાઉન આવી જતા આ રોડનું કામ અટક્યું હતું. તેથી, સરકારે રોડ બનાવવા માટે છ માસની મુદત વધારી દીધી છે. ત્યારે વાવડી રોડની એક સાઈડ આખી ખોદેલી હોવાથી હાલ ત્યાં સ્વિમિંગ પુલની જેમ વરસાદી પાણી ભરાયા છે. એથી, વાહન પણ માંડ-માંડ નીકળી શકે છે. તેથી, ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને વાવડી રોડનું કામ અધુરું હોવાથી ભારે અવદશા થઈ ગઈ છે. વરસાદમાં પાણી ભરાય જતા હોય અહીંયા થોડે દૂરથી ખાડો છે એ ખબર ન હોવાથી વાહન ચાલકો તેમાં ખાબકે છે. આ મામલે મોરબી માર્ગ અને મકાન વિભાગબ અધિકારી આદ્રોજાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરોને નોટિસ આપી વહેલી તકે રોડનું કામ પૂરું કરવાની સૂચના આપી છે. જોકે અહીં વરસાદમાં વિજપોલ શોર્ટ સર્કિટ હોય અબોલ પશુઓ પર જીવનું જોખમ હોવાથી સ્થાનિકોએ વિજતંત્ર સમક્ષ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.