રોડની વચ્ચોવચ્ચ પડેલા ખાડાથી લોકોને બચાવવા વેપારીઓએ કટાક્ષ કરી બોર્ડ મૂક્યું મોરબી : બે દિવસ પૂર્વે મોરબીના લાતીપ્લોટમાં ચાલુ વરસાદે જાગૃત નાગરિકે રોડ ઉપર જીવલેણ ખાડાથી લોકોને બચાવવા ખુરશીમાં બેસી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યા બાદ આજે મોરબીના નંબર વન ગણાતા રવાપર રોડની વચ્ચોવચ પડેલા જીવલેણ ખાડામાં કોઈ ન ખાબકે તે માટે આ વિસ્તારના વેપારીઓએ પાલિકાને ઢંઢોળવા અહીં કટાક્ષ સાથે અહી ખાડો છે.....ધ્યાન રાખવું જેવું બોર્ડ ખાડામાં મુકતા તંત્ર ખાડે ગયું હોવાની છાપ ઉપસી છે. મોરબીમાં હાલમાં રવાપર રોડ હોય કે શનાળા રોડ હોય કે પછી સામાકાંઠે જતો મુખ્યમાર્ગ હોય કે પછી પંચાસર રોડ હોય આ તમામ માર્ગો વાહનચાલકોને મફતમાં ઊટસવારીનો આનંદ કરાવી રહ્યા છે ત્યાર મોરબીના નંબર વન ગણાતા રવાપર રોડ ઉપર તો રોડની વચ્ચોવચ કોઈનો સેંથીનો સિંદૂર, કોઈનો લાલ, કોઈનો લાડકવાયો છીનવાય જાય તેવો ખાડો મોતનું મોં ફાડીને ઉભો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે મોરબીમાં ખાડે-ખાડા વચ્ચે તંત્ર પણ ખાડે હોય તેવી સ્થિતિને ઉજાગર કરવા રવાપર રોડના વેપારીઓએ તંત્રને ચીટીયો ભર્યો હોય તેમ લોકોને આ ખાડાથી બચાવવા માટે ખાડામાં માસ મોટું બોર્ડ મૂક્યું છે જેમાં લખ્યું છે કે આ મોરબીનો નંબર વન રવાપર રોડ છે... અહીં ખાડો છે.... ધ્યાન રાખવું.... જો કે આ નાનું અને મજાક ભર્યું લાગતું બોર્ડ મોરબીના પાલિકા તંત્ર વિષે થોડામાં ઘણું-ઘણું કહી જાય છે.