ગંદકીથી ખદબદતા જુના વિસ્તારોને ખુલ્લી ગટરથી મુક્ત થતા હજુ 5 વર્ષ લાગશે : દાયકાઓ સુધી પાલિકાનું રાજ રહ્યું, છતાં અનેક વિસ્તારોને ભૂગર્ભ ગટરની સુવિધા ન મળીમોરબી : આમ તો અત્યારે મોટાભાગના તાલુકા મથકોએ તેમજ અનેક ગામડાઓમાં ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ બની ગઈ છે. તેમ છતાં સિરામિક નગરી એવા મોરબી શહેરમાં હજુ પણ 50 કિમિ જેટલી ગટરો ખુલ્લી છે. આમ વર્ષોથી ચાલતા સ્વચ્છતા અભિયાનો વચ્ચે પણ શહેરમાં ગટર વ્યવસ્થામાં હજુ પણ ઘણું પછાત છે.મોરબીમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી તેને 10 મહિના જેટલો સમય થયો છે. જ્યારે નગરપાલિકાનું તો દાયકાઓથી રાજ રહ્યું છે. છતા પણ શહેરમાં પાયાની સુવિધા આપવામાં પાલિકા અસમર્થ રહી છે. અત્યારે રાજ્યની અનેક ગ્રામ પંચાયતો પણ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ધરાવે છે. તેવામાં મોરબી શહેરમાં હજુ પણ ખુલ્લી ગટરો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.મોરબી શહેરમાં અંદાજીત 50 કિમિ જેટલી ગટર ખુલ્લી હાલતમાં છે. ખાસ કરીને મોરબીના જુના વિસ્તાર એવા દરબાર ગઢ, ગ્રીન ચોક, લોહાણાપરા, કાલિકા પ્લોટ, મહેનદ્રપરા, માધાપર, વજેપર, લીલાપર રોડ,વાઘપરા, બોરિચાવાસ, ન્યુ પ્રજાપત સહિતના વિસ્તારો ઉપરાંત સાવસર પ્લોટને હજુ પણ ભૂગર્ભ ગટરની સુવિધા મળી નથી. એક તરફ સરકાર અને તંત્ર સ્વચ્છતાની વાતો કરે છે. બીજી તરફ અહીં ખુલ્લી ગટરોને ભૂગર્ભ ગટરમાં તબદીલ કરવામાં આળસ પણ કરે છે.મોરબીના જુના વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં તો ખુલ્લી ગટર છે તે 3થી 4 ફૂટ ઊંડી છે. જેને કારણે આ ગટરના કારણે દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ કાયમ રહે છે. આ ખુલ્લી ગટરના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધુ પ્રમાણમાં રહે છે. આ સાથે અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા પણ વર્ષોથી જોવા મળી રહી છે.ખુલ્લી ગટરની સફાઈ માટે 64 કામદારોને ફરજ સોપાઈમોરબીના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરની નિયમિત સફાઈ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા 64 કામદારોને ફરજ સોંપવામાં આવી છે. આ કામદારો દરરોજ નિયત કરાયેલ વિસ્તારોમાં જઈને ખુલ્લી ગટરની સફાઈ કરે છે. જો કે તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં ગટર ચોકઅપ થવાના કારણે ઉભરાવાની સમસ્યા સર્જાય રહી છે.નવા રોડ બની રહ્યા છે ત્યાં ભૂગર્ભ ગટરની કામગીરી કરાઈ રહી છે : ડે.કમિશનરમહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે શહેરમાં જ્યાં ખુલ્લી ગટર છે તેને ડ્રેનેજ ગટર કરવા માટે કાર્યવાહી ચાલુ છે. આ કામગીરી ફેઝ વાઇઝ કરવામાં આવશે. વધુમાં અત્યારે જે નવા રોડ બની રહ્યા છે. ત્યાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે. આવનારા 5 વર્ષમાં મોરબી ખુલ્લી ગટરથી મુક્ત થશે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે જ્યાં ભૂગર્ભ ગટર છે, સમસ્યા તો ત્યાં પણ છે જમોરબીમાં જ્યાં ભૂગર્ભ ગટર છે ત્યાં પણ સમસ્યા છે. અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા છે. દરરોજ થોકબંધ ફરિયાદો પણ આવે છે. છતાં યથાવત સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ અનેક વખત ભૂગર્ભ ગટરની કુંડીઓમાંથી મોટા પથ્થર અને રેતીની થેલી જેવી વસ્તુઓ પણ નીકળે છે. જેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ટીખળખોરો લોકોને અને મહાનગરપાલિકાને પરેશાન કરવા આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે.