ત્રીજી લહેરમા શા માટે બાળકોમા સંક્રમિત થવાની સંભાવના વધારે છે? જો બાળક સંક્રમિત થાય તો શું કરવુ? બાળકોમા ત્રીજી લહેરનુ જોખમ કેટલુ? બાળકને સંક્રમણથી બચાવવા કઈ કઈ તકેદારીઓ રાખવી? વગેરે પ્રશ્નો વિશે માર્ગદર્શન આપતા મોરબીના બાળ રોગ નિષ્ણાંત તબિબ ડો. મનિષ સનારીયા મોરબી : વિશ્વમા કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ભારત દેશ કોરોનાની પ્રથમ તથા બીજી લહેરમાંથી ધીમે ધીમે બહાર નિકળી રહ્યુ છે ત્યારે નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે. તે ઉપરાંત, ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરશે તેવુ અનુમાન કરવામા આવ્યુ છે ત્યારે બાળકના માતા-પિતા સતત ચિંતિત થઈ રહ્યા છે. જેથી, માતા-પિતાની ચિંતા હળવી કરવા, મોરબી બાળરોગ નિષ્ણાંત તબિબ સ્પર્શ બાળકોની હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ છે. ૧. શા માટે ત્રીજી લહેરમા બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતાઓ દર્શાવવામા આવી છે? પ્રથમ લહેરના મ્યુટન્ટ અને બીજી લહેરના મ્યુટન્ટમા તફાવત જોવા મળ્યો છે. પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેરમા યુવાનો વધુ પ્રમાણમા સંક્રમિત થયા છે તેમજ સંક્રમણની ઝડપ પણ વધી છે. વાયરસનુ સ્વરૂપ બદલાતા ત્રીજી લહેરમા બાળકોમા વધુ સંક્રમણ નુ અનુમાન કરવા મા આવ્યુ છે. ભારતમા બાળકો માટે કોરોનાની રસી હજુ ઉપલબ્ધ બનેલ નથી. તેથી, ઘરના બીજા પુખ્તવયના લોકો એ ફરજીયાત રસીકરણ કરાવવુ જોઈએ. જેથી, બાળકોને ચેપથી બચાવી શકાય. ઘણા લોકોમા રસી પ્રત્યે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે જે સદંતર ખોટી છે. પુખ્ત વયના લોકોનુ રસીકરણ ન થવાથી બાળકોમા ત્રીજી લહેરનુ જોખમ વધી શકે છે. સંક્રમિત બાળકમા જોખમનુ પ્રમાણ કેટલુ? પ્રથમ લહેર કરતા બીજી લહેર મા બાળકો વધુ સંક્રમિત થયા છે પરંતુ સામાન્ય રીતે બાળકોમા બીજી કોઈ બિમારીઓ ન હોવાના લીધે તેમની સરળતાથી સારવાર કરી શકાય છે. સામાન્ય દવાઓથી ઘરે જ તેમની સારવાર થઈ શકે છે. તેથી, ગભરાવવા ની જરૂરીયાત રહેતી નથી. બાળકને સંક્રમણ ક્યાંથી લાગી શકે? સામાન્ય રીતે, ઘરના વડીલો કે જેઓ બહાર જતા હોય અથવા બાળક શેરીમા રમતી વેળાએ કોઈ ના સંપર્ક મા આવે કે જેઓ કેરીઅર બની ને બાળક ને સંક્રમિત કરી શકે છે. માટે ઘરના સભ્યો એ બહારથી આવતી વેળા એ સ્નાન કરી કપડા બદલી બાળકની નજીક જવુ જોઈએ. ઘરમા કોઈ વ્યક્તિ પોઝીટીવ હોય તો તેમનાથી બાળકને દુર રાખવુ જોઈએ. સામાન્ય તકલીફોમા હોસ્પીટલે જવાનુ ટાળવુ જોઈએ, શક્ય હોય તો ફોન પર જ ડોક્ટરનુ માર્ગદર્શન લઈ શકાય. ઘણી વખત બાળક કોરોના થી સંક્રમિત ન હોય બીજી તકલીફ હોય છતા હોસ્પીટલે જવાથી ત્યાં બીજા નો ચેપ લાગવા ની શક્યતા રહેલી છે. બાળક સંક્રમિત થાય તો તેની સંભાળ કઈ રીતે રાખવી? સામાન્ય રીતે બાળકોનુ રસીકરણ સમયસર થયેલ હોય તો તેવા બાળકો મા ગંભીર લક્ષણો જોવા મળતા નથી. તેથી, ડોક્ટર ની સલાહ મુજબ સામાન્ય દવાઓ આપવી જોઈએ. ગંભીર લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો તેમજ ડોક્ટરની સલાહ મુજબ જરૂરી રીપોર્ટ કરાવવા. સંક્રમિત બાળકના સંપર્કમા ઘરના વડીલો અથવા બિમાર વ્યક્તિઓ ન આવે તેની તકેદારી રાખવી. માતા એ પણ માસ્ક પહેરી બાળકની દીનચર્યા કરાવવી તેમજ ત્યાર બાદ હેન્ડવોશ, સેનિટાઈઝર અને કપડાં બદલવા. બાળકને ત્રીજી લહેરથી બચાવવા શુ કરવુ? -બાળકને પૌષ્ટીક આહાર આપવો. -નાના બાળકોને ૮ થી ૧૦ કલાકની નિંદર કરાવવી. -ઝીંક અને વિટામીન-સી વાળા ફળો તેમજ ખોરાક આપવો. -જંક ફુડ, પેકેજ્ડ ફુડ તેમજ ઠંડો ખોરાક ટાળવો. -નિયમિત હેન્ડવોશ, સેનિટાઈઝર તથા માસ્ક ની ટેવ પાડવા બાળક ને સમજ આપવી. -શરદી-ઉધરસ ધરાવતા વડીલો એ ઘર મા સતત માસ્ક પહેરી રાખવુ. -હકારાત્મક વાતો કરી બાળકમા હકારાત્મક તેમજ સર્જનાત્મક અભિગમ કેળવાવવો. -બાળકને ભીડ વાળી જગ્યાઓ પર ન લઈ જવુ. -બાળકનુ વેક્સિનેશન નિયમિત પણે પૂર્ણ કરાવવુ -સરકાર દ્વારા કરવા મા કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઘરના દરેક સભ્યો એ રસીકરણ કરાવવુ. -વિશ્વના અમુક દેશોમા બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ બનાવવામા આવી છે, આપણા દેશમા બાળકો માટે રસી ઉપલબ્ધ બને ત્યારે રસીકરણ અવશ્ય કરાવવુ.