મોરબી : દુનિયાભરના વૈજ્ઞાનિકોએ શરીરને હેલ્ધી અને લાંબા જીવન માટે ઘણા રિસર્ચ કર્યા છે. રિસર્ચનાં પરિણામો દર્શાવે છે કે શરીરને હેલ્ધી રાખવા માટે ડ્રાયફ્રૂટ, શાકભાજી, ફળ ખાવા જેવી કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિયેશનમાં ગત વર્ષે પબ્લિશ કરવામાં આવેલા રિસર્ચ અનુસાર પ્લાન્ટ બેસ્ડ ફૂડને ડાયટમાં સામેલ કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડેથનું જોખમ 32 ટકા ઘટી જાય છે. હાલમાં શિયાળાએ જમાવટ કરી છે. શિયાળો એટલે હેલ્ધી વસ્તુઓ ખાવાની સીઝન. ગાજર, પાલક, ટમેટાં, બીટ, કોથમીર, આદુ આ સીઝનમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. ટમેટાં ટમેટાં પેટના રોગમાં ઉપયોગી છે. તેમાંથી વિટામીન પણ મળે છે. મુખમાં ચાંદી પડી હોય તો તે પીડાને દૂર કરવા ટમેટાં ઉપયોગી છે. ટમેટાનો ગરમ સૂપ પીવામાં આવે તો શરદી જેવી બીમારી દૂર થાય છે. પાચનને સુવ્યવસ્થિત બનાવવામાં ટમેટાંનો ગરમ સૂપ બેસ્ટ ગણાય છે. ગાજર ગાજરમાં વિટામીન એ હોય છે. જેનો જ્યૂસ પીવાથી પેનક્રિયાસના કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે. તે ઉપરાંત સાંધાનો દુ:ખાવો મટાડે છે. દાંતની મજબૂતાઇ વધારે છે. પેટ સાફ રાખે છે. ચહેરાને ચમકતો રાખે છે. વૃધ્ધાવસ્થા અટકાવે છે. બીટ બ્લડપ્રેશર કાબૂમાં રાખવા માટે બીટ ખૂબ જ ઉપયોગી છે. બીટનો જ્યૂસ પીવાથી રક્તપ્રવાહ સપ્રમાણ રહે છે. બીટમાંથી આયર્ન મળે છે, જેને લીધે હિમોગ્લોબિન મળે છે. લાંબાગાળે રક્તવાહિનીઓ સાંકડી થતી અટકે છે. પાલક પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી ઊર્જા પૂરી પાડે છે. પાલકનો જ્યૂસ પીવાથી તે શરીરને મજબૂત બનાવે છે. ખાસ કરીને બાળકોને પીવડાવવાથી ઝડપથી વિકાસ થાય છે, તેમજ કોલેસ્ટેરોલને શરીરની બહાર કાઢે છે. રેસા હોવાથી પેટ-આંતરડાને પાલક સાફ રાખે છે. આદું દરરોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે. તે કફને દુર કરે છે, શરદી-સળેખમને મૂળમાંથી ઉખેડી નાખે છે, હદયના વિકારોને હણે છે. આદુનો રસ સોજા, પેશાબની તકલીફો, કમળો, હરસ, દમ, ખાંસી, જલંદર વગેરે રોગોમાં લાભકર્તા છે . કોથમીર કોથમીર સ્વાદ વધારવાની સાથે ઔષધિય ગુણ પણ ધરાવે છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી, અને મેગ્નશિયમથી ભરપૂર માત્રા જોવા મળે છે. મોંમાંથી જો દુર્ગંઘ આવતી હોય તો ઘાણાજીરૂના પાવડરને સાકર સાથે ખાવ, રાહત મળશે. લીલું લસણ લીલાં લસણમાં અમુક ખાસ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને તત્વો રહેલાં હોવાથી તે અનેક રોગો સામે લડવાની શક્તિ વધારે છે. લીલું લસણ ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બનાવવાની સાથે હાર્ટને પણ હેલ્ધી રાખે છે. ઠંડીમાં શરદી, કફ, ખાંસી, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી શ્વસનતંત્રની તકલીફોથી બચવા શિયાળામાં રોજ લીલું લસણ ડાયટમાં સામેલ કરી લેવાથી ફાયદો થાય છે.