મોરબી નેશનલ હાઇવે ઉપર બિસ્માર સર્વિસ રોડને પાપે ટ્રાફિકજામની સ્થિતિ કાયમી બની મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા ઘણા સમયથી શિરદર્દ બની ચુકી છે ખાસ કરીને શહેર નજીકના નેશનલ હાઇવેના સર્વિસ રોડ અને સીરામીક ઝોનના માર્ગની ખરાબ હાલતથી ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે ત્યારે આજે પણ શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકજામ થયો હતો અને વાહનોની લાંબી કતારોથી લોકો અકળાયા હતા. મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર કાવેરી સીરામીક પાસે, લખધીરપુર રોડ, બેલા પીપળી રોડ, સામાંકાંઠે ત્રાજપર ચાર રસ્તે સર્વિસ રોડ ઉપર મોરબીથી હળવદ તરફના રોડ સહિતના માર્ગો ઉપર ટ્રાફિકજામ થયો હતો. આ ઉપરાંત મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર-પીપળી રોડ ઉપર બેલા નજીક આજે સવારે ટ્રાફિકજામ સર્જાયો હતો. અતિશય ટ્રાફિક ધરાવતા આ સીરામીક ઝોન ઉપર ટ્રાફિકજામથી બન્ને બાજુએ વાહનોની મસમોટી કતારો લાગી હતી. જેથી, વાહન વ્યવહાર ખોરવાતા સવારે કામ અર્થે નીકળેલા લોકો ટ્રાફિકજામમાં ફસાતા મુશ્કેલીમાં મુકાય ગયા હતા અને ખાસ્સો સમય સુધી કાચબા ગતિએ વાહન વ્યવહાર ચાલતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. તેમજ નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ખાડાઓને તેમજ જોખમી વણાંક અને આડેધડ પાર્કિગને કારણે વારંવાર ટ્રાફિકજામ થાય છે. આથી, સંબધિત તંત્ર આ ટ્રાફિકજામની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.