જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વાતાવરણ સુકું, ઠંડુ અને ચોખ્ખું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં ઠંડી પડી રહી છે. ત્યારે જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીમાં થોડી રાહત મળવાની છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડીયા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન 31 થી 34 ડિગ્રી અને લઘુત્તામ તાપમાન 12 થી 15 ડિગ્રી સુધી રહેશે.મોરબી જિલ્લામાં આગામી તા. 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમ્યાન વાતાવરણ સુકું, ઠંડુ અને ચોખ્ખું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન 31થી 34 ડીગ્રી શેલ્શિયસ જેટલું અને ન્યૂનતમ તાપમાન રાત્રી દરમ્યાન 12 થી 15 ડિગ્રી રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન દિવસે ભેજનું પ્રમાણ 80 થી 90 અને રાત્રિ દરમ્યાન ભેજનું પ્રમાણ 35 થી 40 % રહેશે. આ પાંચ દિવસ દરમ્યાન હવામાન બુલેટિનમાં લોકોને ઠંડીથી બચવા ઉનના ગરમ કપડા પહેરવા, હુંફાળું ગરમ પાણી અને ગરમ પીણું ચા-કોફી પીવા, માથું, નાક, કાન, ગળું, હાથ અને પગ વ્યવસ્થિત રીતે ગરમ કપડાથી ઢાંકવા તેમજ ઠંડીના કારણે શિયાળુ પાકોમાં હિમની અસર ના થાય તે માટે સાંજના સમયે હળવું પિયત આપવું અને પાક અવશેષ ઉપર પ્લાસ્ટિકનું આવરણ કરવા કાળજી લેવા જણાવવામાં આવ્યું છે. શિયાળુ શાકભાજી પાકોમાં જરૂરિયાત મુજબ નિદામણ કાર્ય કરવું અને પિયત આપવું.