લાઈટ અને સ્પીડ બ્રેકરના રૂપિયા ખાધા હશે એને ઉપરવારો અને અમે નહીં મૂકી : તમે રૂપિયો આપો અમે સવા રૂપિયાનું કામ કરશું : મોરબીની જનતાને ટેક્સ ચૂકવવા અનુરોધ મોરબી : સુપરસીડ થયેલ મોરબી નગર પાલિકામાં નવા પ્રાણ ફૂંકવા ચીફ ઓફીસર અને વહીવટદાર સાથે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા છે અને હવે પાલિકામાં લાલીયાવાડી નહીં ચાલે તેવા સાફ સાફ સંકેત આપી હાલમાં મોરબી પાલિકાની તિજોરી તળિયા ઝાટક હોવાનું સ્વીકારી કાનભાઈએ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે પાલિકા દેણામાં ડૂબેલી છે પણ કોઈને ખોટો રૂપિયો આપવો નથી અને કોંગ્રેસે જે આરોપ લગાવ્યા છે તેવા લાઈટ અને સ્પીડ બ્રેકર મામલે ઉપરવારો અને અમે કોઈ ને નહીં મૂકી એવું ચોખ્ખુંને ચટ્ટ કર્યું હતું. મોરબી નગરપાલિકામાં ભાજપના બહુમત શાસનનો સુપરસીડ સાથે કરુણ અંત આવ્યા બાદ દલા તરવાડીની જેમ લખલૂટ ખર્ચે ચાલતા સીટી બસ અને કચરા ઉપાડવાના કોન્ટ્રાકટ બંધ કરાવી હાલમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર દ્વારા ધારાસભ્ય કાંતિલાલના માર્ગદર્શન હેઠળ સુચારુ વહીવટ માટે તમામ કામગીરી કોન્ટ્રાક્ટરને બદલે પાલિકા હસ્તકે લેતા પાલિકાને ચોખ્ખો ફાયદો થઇ રહ્યો છે ત્યારે આજે ચીફ ઓફિસર અને વહીવટદાર અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ પત્રકારો સાથે ખુલ્લા મને વાતચીત કરી હતી. કાંતિલાલે કહ્યું હતું કે હવે કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થતા તેઓ ફ્રી થતા હવે પાલિકાની ગાડી પાટે ચડાવીને જ નિરાંતનો શ્વાસ લેશે, કાંતિલાલે કહ્યું હતું કે, સીટી બસ સેવા અને કચરાનો કોન્ટ્રાકટ બંધ કરી પાલિકા ફાયદામાં છે, જે કામ મહિને 40 કે 45 લાખમાં થતું એ કામ 11 લાખમાં થાય છે અને પાલિકાના કર્મચારી નવરા બેસતા તેને બદલે કામે લાગ્યા છે તે સારી વાત છે, વધુમાં તેમને મોરબીની જનતાને બાકીના વેરા ચૂકવી આપવા અપીલ કરી જણાવ્યું કે તમે એક રૂપિયો જમા કરાવો તો સામે પાલિકા સવા રૂપિયાનું કામ કરશે તેની હું તમને ખાતરી આપું છું. વધુમાં કાંતિલાલે પાલિકાની ગાડી પાટે ચડાવવા તેઓ સંપૂર્ણ ધ્યાન આપનાર હોવાનું કહું મોરબીમાં સોસાયટીના રોડ રસ્તાઓ લોકભાગીદારીથી અને સરકારી ગ્રાન્ટથી કરવા તંત્ર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું આ તકે ચીફ ઓફિસર અને વહીવટદારે પણ મોરબીની જનતાને પાલિકા તરફથી તમામ સુખ સુવિધા પ્રાપ્ત થાય અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. https://youtu.be/_QOr_1rU5sA