જાણીતા કટાર લેખક જય વસાવડાએ નવા એરપોર્ટ વિષે બનાવેલ વિડીયો વાયરલ, પુંઠાના બોક્સ જેવું એરપોર્ટ ઠેકાણા વગરનું !!મોરબી : રાજકોટ અને મોરબી માટે મહત્વના એવા રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ફ્લાઈટનું આવાગમન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે આ એરપોર્ટની ડિઝાઇનથી લઈ સુવિધાઓ અંગે જાણીતા ગુજરાતી કટાર લેખક જય વસાવડાએ વિડીયો બનાવી પોતાના ફેસબુક પેઈજ ઉપર અપલોડ કર્યો છે જેમાં સુવિધા વગરના નવા ઇન્ટરનેશનલ એવોર્ડના ટોઇલેટમાં પાણી જ ન આવતું હોવાની રાવ કરવામાં આવી છે, સાથે જ કોરોના કાળમાં જેમ કોઈ હોસ્પિટલ ફટાફટ ઉભી કરવામાં આવે તે રીતે પુંઠાના બોક્સની જેમ ઠેકાણા વગરનું એરપોર્ટ બનાવી નાખવામાં આવ્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.રાજકોટના જાણીતા કટાર લેખક અને મોટિવેશનલ સ્પીકર જય વસાવડાએ પોતાના ફેસબુક પેઈજ ઉપર તદ્દન નવા એરપોર્ટ ઉપર 55 મિનિટની ફ્લાઇટ માટે 65 મિનિટની મુસાફરી શિર્ષક સાથે વિડીયો રીલ અપલોડ કરી છે જેમાં જણાવ્યું છે કે, આયાતી ફ્યુલ બાળીને હરખઘેલા બની બડે અરમાનો કે સાથ અહીં પ્રવેશ કર્યો ! પછી પહેલી વાર અહીં આવીને આનંદને બદલે આંચકો કેમ લાગ્યો ? એક ગ્રાહક અને પ્રવાસી તરીકે પેટછૂટી વાત કરતા તેઓ વીડિયોમાં જણાવે છે કે, મિત્રો હું છું રાજકોટના નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર, ભલે આ એરપોર્ટ રાજકોટનું કહેવાય પણ હકીકતે રાજકોટથી 31 કિલોમીટર દૂર આ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે.વધુમાં તેઓ જણાવે છે કે, આ એરપોર્ટનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે ઉદઘાટન થયું.... દેશના વડાપ્રધાન હતા ત્યારે પણ જેવા તેવા પ્રોજેક્ટ કરતા જ નહીં ડિઝાઇન અને પ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ અદભુત હોય તેવા પ્રોજેક્ટ જ તેમના હોય પણ રાજકોટનું નવું એરપોર્ટ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય અને તાબડતોબ સેટ ઉભો કરવામાં આવ્યો હોય કે પછી કોવીડની હોસ્પિટલ માટે કાર્ડબોર્ડના બોક્સ બનાવ્યા હોય તેવી રીતે એરપોર્ટ ઉભું કરી દેવાંમાં આવ્યું છે.માત્ર બે જ શોપ છે અને બાકીના ચોકઠાં સફેદ રંગના એમનેમ ઉભા કરી દેવાયા છે, વળી ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે જ બનાવાયેલ ટોઇલેટમાં પાણી જ આવતું ન હોવાનું પણ તેમને નોંધી આટલા નગારા વગાડી ધામધૂમ કર્યા બાદ મુસાફરોને ટોઇલેટની સુવિધા પણ ન મળે તે બાબતને ગંભીર ગણાવી હતી, સાથે જ અમદાવાદ, વડોદરા અને સુરતના એરપોર્ટ આટલા દૂર ન હોવાનું પણ તેમને જણાવી રાજકોટના નવા એરપોર્ટને લઈ બનાવેલ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.