માતા એસિડ-ફીનાઇલની બોટલની ફેરી કરતા અને પિતા મજૂરી કામ કરતા, પરિવારની નબળી આર્થિક સ્થિતિ વચ્ચે સમીર મકવાણાએ આકરી મહેનત કરી સફળતા હાંસલ કરીમોરબી : પાની મેં તસ્વીર બના શકતે હો તુમ, કલમ કો શમશીર બના શકતે હો તુમ, કાયર હૈ જો તકદીર પે રોતે હૈ, જૈસા ચાહો વૈસા તકદીર બના શકતે હો તુમ.....મોરબીના યુવાને આર્થિક પરિસ્થિતિ વચ્ચે તનતોડ મહેનત કરી અનેકવાર મળેલી નિષ્ફળતા પચાવીને CAની પરીક્ષા પાસ કરી હારથી નાસીપાસ થતા યુવાનોને પ્રેરણા પુરી પાડી છે મોરબી શહેરના સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ઘાંચી-મુસ્લિમ સમાજના સમીર મકવાણાએ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરિક્ષા પાસ કરી છે. તેના માતા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 15 વર્ષથી બ્લીચિંગ, ફિનાઈલ અને કપડા ધોવાના પાણીની ફેરીઓ કરે છે અને તેના પપ્પા એક કંપનીમાં ઘડિયાળના કલર શોપમાં મજૂરી કરે છે. સમીર મકવાણાએ 2017થી CAની જર્ની શરૂ કરી હતી. ફાઉન્ડેશન અને ઇન્ટરમાં ઉત્તીર્ણ થતા તેઓ ફાઇનલમાં પહોંચ્યા હતા. જો કે ફાઇનલમાં તેઓને ફર્સ્ટ ગ્રુપમાં સતત 4 વાર નિષ્ફળતા મળી હતી. પણ પોતાની ભૂલમાંથી તેઓએ શીખી નાસીપાસ થયા વગર અંતે સીએ ફાઇનલની પરીક્ષા પાસ કરી લીધી છે. સમીર મકવાણા આજે જાહેર થયેલા પરિણામમાં ઉત્તીર્ણ થતા તેઓએ તેઓની આ સફળતાનો શ્રેય પોતાના માતા પિતાને આપ્યો છે. _____________________________________જે પણ કરો તે પુરા ડેડીકેશન સાથે કરો : સમીર મકવાણા સમીર મકવાણા જણાવે છે કે તેઓએ સીએની ફાઇનલ પરીક્ષા પાસ કરવા માટે ખૂબ મહેનત કરી છે. છેલ્લા એક મહિના તો તેઓએ સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત વાંચન કર્યું હતું. તેઓ યુવાનોને સંદેશ આપતા જણાવે છે કે જે પણ કરવું તે પુરા ડેડીકેશન સાથે કરવું. જે ભૂલથી નિષ્ફળતા મળે છે તે ભૂલનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવી. બસ પૂરતું ફોક્સ કરી મહેનત કરવામાં આવે તો ધ્યેય સિદ્ધ થાય જ છે._____________________________________