ચેરમેનોની નિમણૂક માટેની બેઠકમાં એકપણ સભ્યો હાજર ન રહ્યા ; સભ્યોની નારાજગી હોવાની ચર્ચા વચ્ચે પ્રમુખે કમુહર્તાનું બહાનું કાઢ્યુંમોરબી : ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતની બીજી ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખ નિમણુંકના ત્રણ મહિના બાદ સમિતિઓની રચના કરવામાં આવી છે પરંતુ સમિતિઓના ચેરમેનોની વરણી માટેની અગત્યની બેઠકમાં ગઈકાલે એકપણ સભ્યો હાજર ન રહેતા ચેરમેનોની નિમણૂકની પ્રક્રિયા અટકી હતી. જો કે, ચેરમેનોની પસંદગીને લઈને સભ્યોમાં નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પ્રમુખે કમુહર્તાનું બહાનું આગળ ધર્યું હતું.મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, બાંધકામ, સામાજિક ન્યાય અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેનની વિધિવત વરણી કરવા ગઈકાલે જિલ્લા પંચાયતમાં મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વિવિધ સમિતિમાં નિમણુક કરાયેલા સભ્યો દ્વારા ચેરમેનોની વરણી કરવાની હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે આ મહત્વની બેઠકમાં એકપણ સભ્યો હાજર ન રહેતા ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરી શકાય ન હતી. આ બેઠકમાં એક પણ સભ્ય હાજર ન રહેવા પાછળ ચેરમેનની પસંદગીને લઈને સભ્યોમાં નારાજગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.બીજી તરફજિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીએ આજની મહત્વની બેઠકમાં ચેરમનોની વરણી ન થયા મુદ્દે કહ્યું હતું કે, આજે પીએમનો લાઈવ કાર્યક્રમ હોય એટલે દરેક સભ્યો તેના વિસ્તારમાં હોય ઉપરાંત હાલ કમુહર્તા નડી ગયાનું કહી હવે પછી વરણી થઈ જશે તેવું કહ્યું હતું. પણ અગાઉ 15 દિવસ પહેલા સમિતિઓની રચના કરી દેવાય હતી. ત્યારે કમુહર્તા નડ્યા ન હતા ? તેવો વેધક સવાલ પણ ઉઠ્યો છે.