મોરબી : મોરબીના લીલાપર રોડ પર સ્મશાનથી વજેપર જતી પાણીની લાઈનમાં છેલ્લા ઘણા સમયથી લીકેજ છે. આ પાણીની લાઈન વોકળામાંથી પસાર થઈ રહી છે. આ વોકળામાં જ પાણીની લાઈન કેટલીક જગ્યાએથી લીક હોવાથી પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે અને વોકળાનું દુષિત પાણી પાણીની લાઈનમાં ભળી રહ્યું છે. આ પાણી લોકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ દુષિત પાણીથી રોગચાળા ફાટી નીકળવાની દહેશત રહેવાસીઓને સતાવી રહી છે.વજેપરના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પીવાના પાણીમાં દુષિત પાણી ભળીને આવતું હોવાથી કેટલાક દિવસથી રોગચાળો ફાટી નીકળ્યો છે. આ અંગે રહેવાસીઓએ મોરબી નગરપાલિકાને રજૂઆત કરી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. તેથી લોકોની માંગ છે કે વહેલીતકે આ લાઈનનું સમારકામ કરવામાં આવે.