કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરીને વૃક્ષનું કાળજીપૂર્વક જતન કરવાના સંકલ્પ લેવાયા મોરબી : મોરબીમાં આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણ અને વૃક્ષોના કાળજી પૂર્વક ઉછેરનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો અને મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર-ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરીને તેનું કાળજીપૂર્વક જતન કરવાના સંકલ્પ લેવાયા હતા. મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કચેરી પરિસર, ફાર્મ શેઢા પાળા પર જાંબુ, ગુંદા, બોરસલી અને કરંજનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં કલેકટર, ડિ.ડિ.ઓ., પૂર્વ ધારાસભ્ય, ડેપ્યુટી કલેકટર, ડી.સી.એફ., ડીવાય.એસ.પી., ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, ૧૮૧ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કોરોના દરમિયાન કપરી પરિસ્થિતિમાં જેઓએ ખૂબ સારું કામ કર્યું છે તેવા 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ, 181 મહિલા હેલ્પ લાઈન સેવાના કર્મચારીઓ તેમજ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના કોરોના વોરિયર્સના હસ્તે વૃક્ષારોપણ કરાવીને તેમને પ્રોત્સાહન આપી તેમની કોરોના મહામારી દરમ્યાનની કામગીરીને બિરદાવી હતી.