લાખોની કિંમતની વસ્તુઓની ચોરી થતા પોલીસ મથકે અરજી અપાઈ હળવદ : હળવદના જોગડ પાસે આવેલ રણમાં મીઠું પકવવા ગયેલ અગરિયાઓના સોલારની 6 પેટીઓ,16 સોલારની પ્લેટો તેમજ 3 મોટર અને 700 ફૂટ જેટલા કેબલની ગત રાત્રિના ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે અગરિયાઓ હળવદ પોલીસ માથકે પહોંચ્યા હતા.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જોગડ ગામે રહેતા અલ્પેશભાઈ ચંદુભાઈ મજેઠીયા,ભરતભાઈ માવજીભાઈ, લાખાભાઈ માવજીભાઈ,પ્રતાપભાઈ ખીમજીભાઈ,નવઘણભાઈ સામજીભાઈ તેમજ જુના માલણીયાદ ગામે રહેતા ગણપતભાઈ રામજીભાઈ સહિત છ અગરિયાઓ ગામ નજીક જ રણમાં મીઠું પકવવાનું કામ કરે છે.જેથી બોરમાંથી પાણી કાઢવા માટે સોલાર સિસ્ટમ લગાવેલી હોય જેની એક પેટી ની કિંમત અંદાજે 35 હજાર રૂપિયા જેવી થાય છે આવી ઉપરોક્ત 6 અગરિયાઓની સોલારની 6 પેટીઓ,16 પ્લેટો,3 મોટર અને 700 ફૂટ જેટલો કેબલ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવના પગલે અગરિયા પરિવારો આજે હળવદ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. જેથી પોલીસ યોગ્ય તપાસ કરે અને અગરિયાઓની ચોરાયેલ કીમતી વસ્તુઓ પાછી અપાવે તેવી માંગ કરાઈ છે.