હળવદ : નેશનલ અને સ્ટેટ હાઇવે પર માલવાહક ટ્રકમાંથી તાલપત્રી કાપીને કિંમતી માલસમાનની ચોરીના બનાવો ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. મોરબી જિલ્લામાંથી આવા કારસ્તાનનો પર્દાફાશ કરતા એક ગેંગ અગાઉ ઝડપાયા બાદ ચોરીની આવી ઘટનાઓ અટકી ગઈ હતી. જો કે હળવદ-માળીયા હાઇવે પર અમદાવાદથી ભુજ જઈ રહેલા એક ટ્રકની તાલપત્રી કાપીને 60 હજારની કિંમતનો સમાન ચોરી કરવાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે. હળવદ-માળીયા હાઇવે પર અણીયારી ટોલનાકા પાસે ટ્રક નંબર GJ 12 Y 7037ના ડ્રાઈવર ગોવિંદસિંહ મહેશચંદ્ર રાજપૂતને ધ્યાનમાં આવ્યું હતું કે તેના ટ્રકની તાલપત્રી કપાઈ ગઈ છે. આથી ડ્રાઈવરે ટ્રકમાં ચેક કરતા રેડીમેડ કપડાં, ઇલેક્ટ્રિક સામાનના પાર્સલ, મોબાઈલના પાર્સલ અને તુવેરદાળ સહિતના રૂપિયા 60 હજારની કિંમતના સાતેક પાર્સલ ચાલુ ટ્રકે કોઈ શખ્સો તાલપત્રી કાપીને ચોરી કરી ગયા છે. આથી ટ્રક ડ્રાઈવરે હળવદ પોલીસમાં સોલડીથી અણીયારી ચોકડી વચ્ચે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં બે દિવસ પહેલા જ ચડ્ડી-બનીયાનધારી ગેંગનો તરખાટ જોવા મળ્યો હતો. જેના સગડ પોલીસ મેળવે એ પહેલાં જ રસ્તા પર દોડતા ચાલુ વાહનોમાંથી માલસામાન ચોરી કરવાનો બનાવ સામે આવતા પોલીસ પેટ્રોલિંગ સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate