ટ્રાન્સપોર્ટર અને ટ્રક ચાલક વિરુદ્ધ કચ્છના ટ્રાન્સપોર્ટ સંચાલકે ફરિયાદ નોંધાવીહળવદ : દાડમ ઉત્પાદનમાં ટોચનું સ્થાન ધરાવતા હળવદ પંથકમાંથી દરરોજ દેશભરમાં મોટા પ્રમાણમાં દાડમ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે 20 દિવસ પૂર્વે કચ્છના ટ્રાન્સપોર્ટર દ્વારા ઉત્તરપ્રદેશ ખાતે મોકલવામાં આવેલ રૂ.છ લાખની કિંમતના દાડમનો જથ્થો ટ્રકચાલક અને ટ્રાન્સપોર્ટરે નિયત સ્થળે ન પહોંચાડી દાડમના જથ્થાને અન્યત્ર સગેવગે કરી નાખતા દાડમની ચોરી કરી છેતરપિંડી કરતા બનાવ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના ભુજ ખાતે એરપોર્ટ રોડ પર રહેતા અને ટ્રાન્સપોર્ટનો બિઝનેશ કરતા બલ્કારસિંગ ગુરુમુખસિંગ ભટ્ટી ઉ.50એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.27 ઓગસ્ટના રોજ ફરિયાદીએ ટ્રાન્સપોર્ટર વિનોદકુમાર બાજપાઈના ટ્રક નંબર યુપી - 78 - જેએન - 5955 નંબરના ટ્રકમાં ટ્રક ચાલક મુકેશભાઈને હળવદ તાલુકાના બુટવડા ગામેથી 12 ટન દાડમ કિંમત રૂપિયા 6 લાખનો જથ્થો ભરી આપી આ દાડમ ઉત્તરપ્રદેશના સિક્રિગંજ ગોરખપુર ખાતે રઇન ફ્રૂટ કંપનીમાં પહોંચાડવા માટે જણાવ્યું હતું.આમ છતાં ટ્રાન્સપોર્ટર અને ટ્રક ચાલકે છેતરપિંડી આચરી રૂ.6 લાખના દાડમનો જથ્થો નિયત સ્થાને પહોંચાડવાને બદલે અન્યત્ર સગેવગે કરી નાખી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી દાડમની ચોરી કરી જતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.હળવદ પોલીસે બનાવ અંગે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.