'મરુ પણ માંગુ નહીં અપને તન કે કાજ, પરમાર્થ કાજે માંગતા મને નો આવે લાજ'નું સૂત્ર સાર્થક કરતા ઊંચી માંડલ ગામના યુવાનો ગામના યુવાનોએ માર્ગ પર જતાં વાહનચાલકો પાસે કરી મદદની ગુહાર મોરબી: ધૈર્યરાજસિંહ રાઠોડ નામના નાના બાળકને HMA 1 નામની ગંભીર બીમારી હોવાના અને જેના ઈલાજ માટે રૂપિયા 16 કરોડનું ઇન્જેક્શન વિદેશથી મંગાવવાની હકીકત સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી સહાય કરવા લોકો આગળ આવી રહ્યા છે. નાના બાળકની ગંભીર બીમારીના ઈલાજ માટે મોટી રકમ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારથી એકઠી કરવી મુશ્કેલ હોય લોકો તરફથી અનુદાનની સરવાણી વહેતી થઈ છે ત્યારે ઊંચી માંડલ ગામના સરપંચ ટપુભા પરમારની હાકલથી ગામના યુવાનોએ આજે બુધવારે મુખ્ય માર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહનચાલકો પાસે મદદનો હાથ લંબાવ્યો હતો. આજે સાંજ સુધીમાં એકત્રિત થયેલી ધનરાશી ધૈર્યરાજસિંહ રાઠોડ માટે બનાવેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે તેમ જણાવી ગામના સરપંચ ટપુભા પરમારે વધુમાં મોરબી અપડેટને કહ્યું હતું કે, એક નાના બાળકની ગંભીર બીમારી વિશે જાણીને મહિલાઓ ખૂબ જ ભાવુક થઈ જાય છે. પુરુષો કરતા મહિલાઓ અનુદાન રાશિ આપવામાં વધુ ભાવનાશીલ બની ફંડ આપી રહી છે.