મોરબી : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે તંત્રની પરમિશન વિના યુવક મુંબઈથી મોરબી આવી ગયો હોવાની ફરિયાદ ગઈકાલે નોંધવામાં આવેલ છે. દેશના કોરોના હોટ સ્પોટ એવા મુંબઈના વાસી વિસ્તારમાં રહીને પ્રશાંત જવેલર્સમાં નોકરી કરતો મોરબીનો યુવક જયદીપભાઈ પ્રવિણચંદ્ર આડેસરા (ઉ.વ. 27) લોકડાઉનના કારણે રહેવા-જમવામાં મુશ્કેલી પડતી હોવાથી નવી મુંબઈમાં માર્કેટ ભરાઈ છે. તેમાં આવતા રાજસ્થાનના ટ્રકમાં બેસીને તે ગુજરાતની બોર્ડર સુધી આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી અલગ-અલગ વાહનોમાં સગવડ કરીને સુરત, વડોદરા, અમદાવાદ, માળિયા થઈને મોરબી સુધી ત્રણ દિવસે તે પહોચ્યો હતો. બાદમાં મોરબીના ઉમિયા સર્કલે ચાલીને આવતા પોલીસને શંકા જતા સીટી એ ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં મોરબી એ ડીવીઝન પોલીસે કોરોનાનું સંક્રમણ વધે તેવી ગંભીર બેદરકારી રાખવા બદલ ડિઝાસ્ટર મેન્જમેન્ટ એક્ટ હેઠળ યુવક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આરોગ્ય તંત્રએ આ મામલે તકેદારીના પગલાં લીધા છે.