હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર બનેલા બનાવમાં ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદ બસ સ્ટેન્ડ નજીક રહેતો યુવાન પોતાની બહેનને ધ્રાંગધ્રા ખાતે લગ્નની કેસેટ બતાવવા ગયા બાદ પરત ફરતો હતો ત્યારે હાઇવે ઉપર આઇસર ટ્રક રૂપી કાળ ભેટી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં બાઇક પાછળ બેઠેલા અન્ય એક યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.16 જુલાઈના રોજ ધ્રાંગધ્રા ખાતે રહેતા બહેનને તેમના લગ્નની કેસેટ બતાવી બાઇક ઉપર પરત ફરી રહેલા અશોક દીલીપભાઇ રાજપરાને હળવદ હાઇવે ઉપર ઝટકો સબ સ્ટેશન નજીક આઇશર નંબર GJ-09-AV-9223ના ચાલકે હડફેટે લઈ પેટના ભાગે ટાયરનો ઝોટો ફેરવી દેતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા કેશવ નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા દીલીપભાઇ મનસુખભાઇ રાજપરાએ હળવદ પોલીસ મથકમાં આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.