વહેલી તકે અધૂરું કામ ચાલુ કરાવવા ટંકારા વિદ્યાર્થી સંગઠન મેદાને મોરબીઃ વર્ષો પહેલા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટથી કચ્છને જોડતાં નેશનલ હાઈવેનું કામ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ કામ હજુ સુધી પૂર્ણ ન થયું હોય હવે આ મામલે ટંકારા વિદ્યાર્થી સંગઠને મેદાને આવ્યું છે. રાજકોટ - મોરબી હાઇવે રોડનું કામ પૂર્ણ કરાવવા માટે આગામી ભાદરવી પૂનમે ટંકારાના વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા આ વિસ્તારના દેવી-દેવતા, રક્ષક દેવ સ્થાન દેવતા, વીરો સહિતનાને પ્રાર્થના કરીને સરકારના કહેવાતા અધિકારીઓ, નેતાઓ, એન્જિનિયર, કોન્ટ્રાક્ટરને આ કામ પૂર્ણ કરવાની શક્તિ આપે તે માટે વિનંતી કરશે. આ રોડનું કામ ન થયું હોવાથી અનેક અકસ્માતો સર્જાય છે, વાહન ચાલકો માટે આ રોડ સિરદર્દ બન્યો છે. ડાવર્ઝન, સોલ્ડર વેબ્રિજ, રિફલેક્શમેન્ટ, ફૂટપાથ, પાણીના નિકાલ સહિતના અનેક કામ હજુ પૂરા થયા નથી ત્યારે આ મામલે વિદ્યાર્થી સંગઠન મેદાને આવતા રાજકીય ધમાસણ ઉભું થઈ શકે છે.