ખાસ્સો સમય સુધી ધ્યાનમાં બેસી રહ્યા બાદ બેભાન હાલતમાં જણાતા મહિલાને સારવાર અર્થે ટ્રાફિક પોલીસે હોસ્પિટલમાં ખસેડી મોરબી : મોરબીના નહેરુ ગેઇટ ચોક પાસે મુખ્ય રસ્તાની સાઇડમાં આજે એક મહિલા સવારે અચાનક જ ધ્યાનની અવસ્થામાં બેસી ગઈ હતી. લાંબા સમય સુધી ધ્યાન અવસ્થામાં બેઠલી મહિલાને બેભાન અવસ્થામાં ટ્રાફિક પોલીસે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નહેરુ ગેઇટ ચોક નજીક બજાર લાઈન મેઈન રોડ ઉપર વહેલી સવારે કોઈ મહિલા ધ્યાનની અવસ્થામાં બેસી ગઈ હતી. ખાસ્સો સમય સુધી આ અવસ્થામાં બેઠા બાદ આ મહિલા ધ્યાનમાંથી ઉઠી ન હતી. આ બનાવને પગલે લોકોનું ટોળું અને ટ્રાફિક પોલીસ સ્ટાફે મહિલાને ધ્યાનમાંથી ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ મહિલા ધ્યાનમાંથી ઉઠી ન હતી અને જાણે મહિલા ધ્યાનમાંથી અંર્તધ્યાન થઈ ગઈ હોય એમ બેભાન હાલતમાં જણાતા ટ્રાફિક પોલીસના જીલુંભાઈ ગોગરા સહિતના સ્ટાફે એ મહિલાને બેભાન હાલતમાં જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. આ મહિલા પાસેથી એક થેલો મળી આવ્યો હતો. જેમાં રોકડ રકમ અને ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યું હતું. ચૂંટણી કાર્ડમાં આ મહિલાનું નામ ખીચી મીનાબેન ભેરુમલજી ઉ.વ.22 રહે મૂળ સાબરકાંઠા જિલ્લાની વતની હોવાની ઓળખ મળી હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.