મોરબી તાલુકાના જસમતગઢ ગામમાં ખેતમજૂર પરિવારમાં બનેલી ઘટના મોરબી : રક્ષાબંધનના પર્વે જ મોરબી તાલુકાના જસમતગઢ ગામે કરુંણ ઘટનામાં પરિણીતાએ પોતાના ભાઈને રાખડી બાંધવા જવાનું કહેતા પતિ સાથે ન આવતા લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જસમતગઢ ગામે વલ્લભભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભર તાલુકાના સોહનકુંડ ગામના વતની ગીતાબેન લલિતભાઈ માવી ઉ.19 નામના પરિણીતાએ રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા જવું હોય પતિ લલિતભાઈને સાથે આવવા કહ્યું હતું. પરંતુ લલિતભાઈની તબિયત ખરાબ હોય સાથે જવાની ના પાડતા ગીતાબેનને લાગી આવ્યું હતું. વધુમાં ગીતાબેનને મનમાં લાગી આવતા વાડીએ ખડમાં છાંટવાની દવા ગટગટાવી લેતા સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે ગીતાબેનના લગ્ન સાત માસ પૂર્વે જ થયા હોય પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.