મોરબીના રંગપર ગામનો બનાવ મોરબી : પતિના દીર્ઘાયુ માટે પરિણીતાઓ દ્વારા કરવામાં આવતા કડવા ચૌથના વ્રતના દિવસે જ મોરબીના રંગપર ગામે પરિણીતાએ પતિના થોડા મોડા આવવાના કારણે ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી મચી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર ગામે રહેતા આરતીબા જયદીપસિંહ ઝાલા ઉ.21 નામના પરિણીતાએ પોતાના ઘેર રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના સસરા દિગ્વિજયસિંહ જયુભા ઝાલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ઘટનાની જાણ કરી હતી. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, મૃતક આરતીબા કડવા ચૌથનું વ્રત રહ્યા હોય તેમના પતિ જયદીપસિંહને કામ ઉપરથી થોડા વહેલા ઘેર આવવા કહ્યું હતું. પરંતુ પતિ જયદીપસિંહે કામ હોવાથી આવવામા થોડું મોડું થશે તેમ જણાવતા આરતીબાને લાગી આવતા તેમના રૂમમાં જઈ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી નાખી હતી. આ બનાવ અંગે હાલ મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.