પાણી પુરવઠા વિભાગે બે કામદારોને મોકલી રીપેરીંગ હાથ ધરતા ગ્રામીણોની મદદથી 3 દિવસે લાઈન લીકેજ બંધ થયું મોરબી: મોરબીના માધાપર વિસ્તારમાં પંચાસર રોડ પર નાની કેનાલ નજીક કબીર આશ્રમ પાસે આવેલા ખેતરોમાં પાણી પુરવઠા વિભાગની લાઈન તૂટી જતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા પાણીથી વિસ્તારના ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. ત્રણ દિવસ પહેલા માધાપર વિસ્તારના પંચાસર રોડ પરથી પસાર થતી પાણી પુરવઠાની લાઇનમાં આકસ્મિક કારણોસર ભંગાણ થતા આસપાસના ૩ ગામોને અસર થઈ હતી. બનાવની જાણ થતા પાણી પુરવઠા વિભાગે બે માણસોને લાઈન રિપેર કરવા માટે સ્થળ પર મોકલી આપ્યા હતા. જોકે બે માણસોથી જ લાઈન રિપેર થઈ શકે તેવું ન હોવાથી આસપાસના ગ્રામીણોએ જેસીબી સહિતના પોતાના વાહનો પણ કામે લગાડયા હતા. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યે આ લાઈન રિપેર થઈ ગઈ હોવાનું પાણી પુરવઠા વિભાગના અધિકારી જયવંતસિંહ જાડેજાએ મોરબી અપડેટને જણાવ્યું હતું. ખેડૂતોને થયેલા નુકસાન સંદર્ભે વળતર આપવાની ગ્રામીણોની માંગ સંદર્ભે પાણી પુરવઠા અધિકારીએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આકસ્મિક બનેલા બનાવની ઉપરી અધિકારીઓને પણ જાણ કરી હતી. આવા બનાવમાં જોકે વળતર આપવાની કોઈ જોગવાઈ ન હોવાથી આ બાબતે અમે કશું કરી શકીએ તેમ નથી તેમ જયવંતસિંહ જાડેજાએ અંતમાં ઉમેર્યું હતું.